અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત 29 જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આજે અમદાવાદ સહિત 29 જિલ્લાઓમાં હળવા થી ભારે વરસાદની આગાહી કરી છે. 18 થી 24 જૂન 2026 સુધીનું લેટેસ્ટ વેધર અપડેટ અહીં જાણો.

ગુજરાત, ગુરુવાર
ગુજરાતભરમાં અત્યારે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. લોકોને ગરમીથી મોટી રાહત મળી છે અને ખેડૂતોમાં પણ વાવણી માટે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી સ્પષ્ટ કરે છે કે આગામી 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે. રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરા જેવા મોટા શહેરો સહિત 29 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી ભારે વરસાદ થવાની પૂરી શક્યતા છે.

આજે 18 જૂને 29 જિલ્લાઓમાં વરસાદની આગાહી
આજે 18 જૂન 2026 ના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જેવા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.

આ સાથે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ અને પંચમહાલમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

19 જૂને ક્યાં રહેશે મેઘાવી માહોલ
આવતીકાલે 19 જૂન 2026 ના રોજ પણ વરસાદનું જોર યથાવત રહેવાનું છે. આ દિવસે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ જોવા મળી શકે છે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર પંથકમાં પણ વાદળછાયું વાતાવરણ અને છાંટા પડી શકે છે. ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

20 અને 21 જૂનનું હવામાન કેવું રહેશે
20 અને 21 જૂન 2026 ના રોજ વરસાદનો વ્યાપ થોડો ઘટીને મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગો પૂરતો સીમિત રહી શકે છે. આ બે દિવસો દરમિયાન ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

22 થી 24 જૂન વચ્ચે ક્યાં પડશે વરસાદ
22 થી 24 જૂન 2026 દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર નહિવત રહેશે. જોકે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદનો માહોલ યથાવત રહેશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!