નોકરીયાત વર્ગ માટે મોટા સમાચાર! કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે EPF પર 8.25 ટકા વ્યાજ દરને મંજૂરી આપી દીધી છે. ટૂંક સમયમાં 7 કરોડ સબસ્ક્રાઈબર્સના પીએફ ખાતામાં પૈસા જમા થશે.

નવી દિલ્હી, ગુરુવાર
નોકરી કરતા લોકો માટે એક ખૂબ જ સારા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે એમ્પ્લોઈ પ્રોવિડેન્ટ ફંડ (EPF) પર નાણાકીય વર્ષ 2025-26 માટે 8.25 ટકા વ્યાજ દરને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. આ મોટા નિર્ણયથી દેશના 7 કરોડથી વધુ EPFO સબસ્ક્રાઈબર્સને સીધો ફાયદો થશે અને હવે ટૂંક સમયમાં જ તેમના પીએફ ખાતામાં વ્યાજના પૈસા જમા થવાની શરૂઆત થઈ જશે.
નાણાં મંત્રાલય દ્વારા ઔપચારિક મંજૂરી
ન્યૂઝ એજન્સી PTI ના લેટેસ્ટ અહેવાલ મુજબ, કેન્દ્રીય નાણાં મંત્રાલયે પીએફ પર અપાતા 8.25 ટકાના વ્યાજ દર પર પોતાની સત્તાવાર મહોર લગાવી દીધી છે. સામાન્ય નિયમ એવો છે કે એમ્પ્લોઈ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) ના સબસ્ક્રાઈબર્સના ખાતામાં વ્યાજના પૈસા ત્યારે જ જમા કરવામાં આવે છે જ્યારે નાણાં મંત્રાલય આ દરને વિધિવત રીતે મંજૂરી આપે અને તેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડે. હવે સરકાર તરફથી આ મંજૂરી મળી ગઈ હોવાથી પૈસા જમા કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
આ જ મહિનામાં ખાતામાં આવશે પૈસા
સરકાર તરફથી લીલી ઝંડી મળ્યા બાદ હવે EPFO દ્વારા વ્યાજની ગણતરી કરીને પૈસા જમા કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, 7 કરોડ કરતા વધુ સભ્યોના પીએફ ખાતામાં આ જ મહિનાની અંદર વ્યાજની રકમ ફટાફટ જમા કરી દેવામાં આવે તેવી પૂરી શક્યતા છે. ખાતાધારકો ટૂંક સમયમાં પોતાનું બેલેન્સ ચેક કરી શકશે.
CBT ની બેઠકમાં લેવાયો હતો મહત્વનો નિર્ણય
અગાઉ 2 માર્ચ 2026 ના રોજ કેન્દ્રીય શ્રમ પ્રધાન મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં EPFO ની સર્વોચ્ચ નિર્ણયકર્તા સંસ્થા એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે EPF નો વ્યાજ દર 8.25 ટકા જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આ પ્રસ્તાવ નાણાં મંત્રાલય પાસે મંજૂરી માટે મોકલાયો હતો. નોંધનીય છે કે, નોકરીયાતોના હિતને ધ્યાનમાં રાખીને સતત ત્રીજા વર્ષે આ વ્યાજ દરમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેને 8.25 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.











