કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ઈન્ડિયા બ્લોક સાંસદો સોમવારે સંસદ ભવનથી રાજધાની દિલ્હીમાં ચૂંટણી પંચ કાર્યાલય સુધી પગપાળા કૂચ કરવાના છે

નવી દિલ્હી,રવિવાર: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ઈન્ડિયા બ્લોક સાંસદો સોમવારે સંસદ ભવનથી રાજધાની દિલ્હીમાં ચૂંટણી પંચ કાર્યાલય સુધી પગપાળા કૂચ કરવાના છે. વિપક્ષી સાંસદો મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દ્વારા કથિત ‘વોટ ચોરી’નો વિરોધ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી અને 300 લોકસભા અને રાજ્યસભા સાંસદો આ કૂચમાં ભાગ લેવાના છે.
સાંસદો માટે રાત્રિભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મલ્લિકાર્જુન ખડગેએ સાંસદોને રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું છે. આ કૂચમાં RJD, TMC, DMK સહિત 25 થી વધુ પક્ષો ભાગ લેશે. સાંસદો સવારે 11.30 વાગ્યે સંસદ ભવનથી પરિવહન ભવન સુધી કૂચ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કૂચ માટે કોંગ્રેસ કે અન્ય વિરોધ પક્ષો તરફથી પરવાનગી માટે દિલ્હી પોલીસને કોઈ અરજી કરવામાં આવી નથી.
બીજી તરફ, રાહુલ ગાંધી ચૂંટણી પંચ પર સતત પ્રહારો કરી રહ્યા છે. તેમણે હવે એક વેબ પોર્ટલ શરૂ કર્યું છે. પોર્ટલ દ્વારા લોકો ડિજિટલ મતદાર યાદીની માંગને સમર્થન આપી શકે છે. ડિજિટલ મતદાર યાદીની માંગ અને સોશિયલ મીડિયા પર અપીલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા રાહુલે લખ્યું, ‘મત ચોરી આપણા લોકશાહીના સિદ્ધાંતની વિરુદ્ધ છે. એક વ્યક્તિ, એક મતના સિદ્ધાંત પર હુમલો થઈ રહ્યો છે. મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી માટે સ્વચ્છ મતદાર યાદી જરૂરી છે.’











