આપણે દરરોજ સ્નાન કરીને શરીર તો સાફ કરીએ છીએ, પરંતુ જે ટુવાલનો ઉપયોગ કરીએ છીએ તેની સ્વચ્છતા પર ઘણીવાર પૂરતું ધ્યાન આપતા નથી. અનેક લોકો દિવસો કે અઠવાડિયા સુધી એક જ ટુવાલ વાપર્યા કરે છે

આપણે દરરોજ સ્નાન કરીને શરીર તો સાફ કરીએ છીએ, પરંતુ જે ટુવાલનો ઉપયોગ કરીએ છીએ તેની સ્વચ્છતા પર ઘણીવાર પૂરતું ધ્યાન આપતા નથી. અનેક લોકો દિવસો કે અઠવાડિયા સુધી એક જ ટુવાલ વાપર્યા કરે છે. દેખીતી રીતે ટુવાલ સપાટી પર ચોખ્ખો લાગતો હોય છે, તેથી લોકોને તેને ધોવાની જરૂર નથી લાગતી, પરંતુ યોગ્ય Towel Hygiene જાળવવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉપયોગ કર્યા પછી ટુવાલમાં ભેજ, પરસેવો, મૃત ત્વચા (ડેડ સ્કીન) અને શરીરના કુદરતી તેલ જમા થાય છે. જો ટુવાલ યોગ્ય રીતે સૂકવવામાં ન આવે, તો તેમાં બેક્ટેરિયા અને ફૂગ (ફંગસ) ના વિકાસનું જોખમ અનેકગણું વધી જાય છે.
ત્વચારોગ નિષ્ણાતોના મતે, સામાન્ય રીતે ત્રણથી ચાર વખત ઉપયોગ કર્યા પછી સ્નાનનો ટુવાલ ધોવો જ જોઈએ. જો કે, જો તમને વધુ પડતો પરસેવો થતો હોય અથવા ત્વચાનો કોઈ ચેપ (ઇન્ફેક્શન) હોય, તો ટુવાલ વહેલો ધોવો જરૂરી છે. યોગ્ય Towel Hygiene માટે ટુવાલની સ્થિતિ તપાસવી પણ જરૂરી છે. જો ટુવાલમાંથી ભીની કે ખરાબ દુર્ગંધ આવતી હોય, તે લાંબા સમય સુધી ભીનો રહેતો હોય, અથવા તેના પર ગંદકી દેખાતી હોય, તો તેનો ફરીથી ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
ટુવાલ ધોવાની સાથે તેને યોગ્ય રીતે સૂકવવો પણ એટલો જ જરૂરી છે. સ્નાન કર્યા પછી ટુવાલને બાથરૂમના હૂક પર લટકાવવાને બદલે તેને હવાદાર જગ્યાએ ફેલાવીને સૂકવવો જોઈએ, જેથી તે ઝડપથી સુકાઈ જાય. ભીના ટુવાલને કબાટમાં કે બંધ લોન્ડ્રી બાસ્કેટમાં ક્યારેય ફોલ્ડ કરીને ન રાખવો.
આ ઉપરાંત, ઘરમાં દરેક સભ્યનો ટુવાલ અલગ હોવો જોઈએ. ટુવાલ શેર કરવાથી બેક્ટેરિયા કે ફંગલ ઇન્ફેક્શન એકબીજાને લાગી શકે છે. જો ટુવાલ ધોવા છતાં દુર્ગંધ મારે, ખરબચડો થઈ જાય કે પાણી બરાબર ન શોષે, તો તેને બદલીને નવો ટુવાલ લાવવાનો સમય આવી ગયો છે.









