અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટને પોતાની સુરક્ષા હેઠળ લેવાની જાહેરાત કરી છે અને ત્યાંથી પસાર થતા જહાજો પર 20% સુરક્ષા શુલ્ક લાદી ઈરાન પર નાકાબંધી કરી છે.

પશ્ચિમ એશિયામાં છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલા સંઘર્ષે હવે અત્યંત ગંભીર અને જોખમી વળાંક લીધો છે, જેનાથી ત્રીજા વિશ્વયુદ્ધની આશંકાઓ સેવાઈ રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા તણાવ વચ્ચે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Strait of Hormuz) પર કબજો જમાવવાની ઐતિહાસિક જાહેરાત કરી છે.
અમેરિકા બનશે ‘હોર્મુઝનો રખેવાળ’
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝ જળમાર્ગ પર હવે યુએસનું વર્ચસ્વ રહેશે. તેમણે જાહેરાત કરી છે કે હવેથી અમેરિકાને અધિકૃત રીતે ‘હોર્મુઝ સ્ટ્રેટનો રખેવાળ’ (Guardian of the Strait of Hormuz) ગણવામાં આવશે. ટ્રમ્પના મતે, આ વ્યૂહાત્મક માર્ગને સુરક્ષિત રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શું હશે નવી વ્યવસ્થા?
ટ્રમ્પ પ્રશાસને આ વિસ્તારમાં ‘ઈરાની નાકાબંધી’ (Iranian Blockade) લાગુ કરવાનો નિર્ણય લીધો છે:
ઈરાની જહાજો પર પ્રતિબંધ: આ નાકાબંધીનો સીધો અર્થ એ છે કે હવે ઈરાનના જહાજો અથવા ઈરાન પાસેથી માલ ખરીદનારા ગ્રાહકોના જહાજો આ માર્ગનો ઉપયોગ કરી શકશે નહીં. અન્ય દેશો માટે આ રસ્તો સુરક્ષિત અને ખુલ્લો રહેશે.
20% સુરક્ષા શુલ્ક: આ વિસ્તારની સુરક્ષા પાછળ થતા ભારે ખર્ચને પહોંચી વળવા માટે ટ્રમ્પે એક નવો નિયમ જાહેર કર્યો છે. હવે આ માર્ગ પરથી પસાર થતા તમામ માલવાહક જહાજોએ તેમના કુલ સામાનની કિંમતના 20% શુલ્ક અમેરિકાને ચૂકવવું પડશે.
આ રકમનો ઉપયોગ હોર્મુઝની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે કરવામાં આવશે, અને આ નવી વ્યવસ્થા તાત્કાલિક અસરથી લાગુ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
ઈરાનનો વળતો જવાબ
અમેરિકાના આ આક્રમક નિર્ણયના જવાબમાં ઈરાને પણ આકરા પાણીએ વળતો પ્રહાર કર્યો છે. ઈરાને દાવો કર્યો છે કે તેઓ આ વ્યૂહાત્મક માર્ગને સંપૂર્ણપણે બંધ કરી દેશે. આ ઘટનાક્રમ બાદ આંતરરાષ્ટ્રીય વ્યાપાર જગતમાં અને ખાસ કરીને ગલ્ફ દેશોમાં ભારે હલચલ મચી ગઈ છે.











