કેનેડામાં યોજાયેલી G7 સમિટમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે, અને ઇરાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે.

કેનેડા, મંગળવાર
કેનેડામાં ચાલી રહેલી G7 સમિટ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલના પક્ષમાં મક્કમ વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ઇરાન ઇઝરાયલ સામેના સંઘર્ષમાં ક્યારેય જીતી શકશે નહીં. ટ્રમ્પે ઇરાનને ચેતવણી આપતા કહ્યું કે, “ઘણું મોડું થાય તે પહેલાં, તેણે વાતચીત દ્વારા મુદ્દાનું નિરાકરણ લાવવું જોઈએ.”
ટ્રમ્પનો G7 નિવેદન પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર
રોયટર્સ અને CBS ન્યૂઝના રિપોર્ટ મુજબ, ટ્રમ્પે G7 ના સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો છે. આ નિવેદનમાં ઇરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ ઘટાડવા અને પશ્ચિમ એશિયામાં સ્થિરતા જાળવી રાખવા અપીલ કરવામાં આવી હતી. ટ્રમ્પના આ નિર્ણયે G7 દેશો વચ્ચેના મંતભેદોને ફરી સપાટી પર લાવ્યા છે.
રશિયા મુદ્દે ટ્રમ્પનો પ્રહાર
આ ઉપરાંત, ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે રશિયાને G7 (જે અગાઉ G8 હતું) માંથી બહાર કાઢવા બદલ તેમની ટીકા કરી.
ઇઝરાયલના તાજેતરના હુમલાઓ અને ‘ઓપરેશન રાઇઝિંગ લાઇન’
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઇઝરાયલે ઇરાનના સંરક્ષણ મંત્રાલયના હેડક્વાર્ટર અને બુશેહર પ્રાંતમાં સ્થિત વિશ્વના સૌથી મોટા કુદરતી ગેસ પ્લાન્ટ પર હુમલા કર્યા છે. ઇઝરાયલના આ ‘ઓપરેશન રાઇઝિંગ લાઇન’ માં ઇરાનના પરમાણુ વૈજ્ઞાનિકો અને સેનાના શીર્ષ અધિકારીઓને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.
ઇરાનનો વળતો પ્રહાર: ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ 3’
ઇઝરાયલના હુમલાના જવાબમાં, ઇરાને ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ 3’ લોન્ચ કર્યું. શનિવાર રાતથી રવિવાર સવાર સુધી ઇરાન દ્વારા ઇઝરાયલ પર હુમલા કરવામાં આવ્યા હતા.
ટ્રમ્પની કડક ચેતવણી
G7 સમિટ પહેલા પણ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ગંભીર ચેતવણી આપી હતી કે, જો ઇરાન અમેરિકા કે તેની કોઈ સંપત્તિ પર હુમલો કરશે, તો “અમે પૂરી તાકાતથી જવાબ આપીશું – એવી તાકાત જે દુનિયાએ પહેલા ક્યારેય જોઈ નહીં હોય.”
ઇરાનમાં જાનહાનિનો આંકડો
ઇરાન દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, શુક્રવારથી ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં અત્યાર સુધીમાં 224 લોકોના મોત થયા છે અને 1277 લોકો ઘાયલ થયા છે. જોકે, આમાં કેટલા નાગરિકો કે સૈન્ય કર્મચારીઓ સામેલ છે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી.











