અમેરિકાના ટેરિફ વચ્ચે ભારતીય નિકાસકારોએ ચીનમાં ડંકો વગાડ્યો છે. ભારતની નિકાસમાં 33%નો જંગી ઉછાળો આવ્યો છે. જાણો કઈ વસ્તુઓની ડિમાન્ડ ચીનમાં સૌથી વધુ છે અને અમેરિકા કેમ પાછળ રહી ગયું.

નવી દિલ્હી, શનિવાર
વૈશ્વિક બજારમાં અત્યારે ભારે ઉથલ-પાથલ ચાલી રહી છે. એક કહેવત છે ને કે એકનો નફો બીજાનું નુકસાન, બસ આવું જ કંઈક ભારત, અમેરિકા અને ચીન વચ્ચેના વેપારમાં જોવા મળી રહ્યું છે. એક તરફ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા આકરા ટેરિફ અને કડક નિયમોના કારણે ભારતીય વેપારીઓ ચિંતામાં હતા, ત્યાં બીજી તરફ આપણા પાડોશી દેશ ચીને ભારતીય સામાન માટે દરવાજા ખોલી દીધા છે.
ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં ચીન હવે ભારતનું સૌથી મોટું એક્સપોર્ટ માર્કેટ (નિકાસ બજાર) બનીને ઉભરી આવ્યું છે. આવો જોઈએ વિગતે શું છે આ આખો મામલો.
નિકાસના આંકડા જોઈને દુનિયા ચોંકી ગઈ
વાણિજ્ય મંત્રાલયે જે તાજેતરના આંકડા જાહેર કર્યા છે, તે ખરેખર આંખે વળગે તેવા છે. એપ્રિલથી નવેમ્બર મહિના દરમિયાન ભારતે ચીનમાં જે નિકાસ કરી છે, તેમાં સીધો 33% નો તોતિંગ વધારો નોંધાયો છે. આ સમયગાળામાં કુલ નિકાસ 12.22 અબજ અમેરિકન ડોલર પર પહોંચી ગઈ છે.
છેલ્લા 4 વર્ષનો રેકોર્ડ તપાસીએ તો આ આંકડો સૌથી ઊંચો છે. સરખામણી કરીએ તો:
વર્ષ 2023-24માં આ આંકડો 10.28 અબજ ડોલર હતો.
વર્ષ 2024-25ના સમાન સમયગાળામાં તે ઘટીને 9.2 અબજ ડોલર થયો હતો.
પરંતુ, 2025-26માં આવેલો આ રેકોર્ડબ્રેક ઉછાળો સાબિત કરે છે કે ચીનમાં ભારતીય સામાનની ડિમાન્ડ જબરદસ્ત વધી છે.
હવે કાચો માલ નહીં, હાઈ-ટેક સામાન વેચે છે ભારત
પહેલા ભારત ચીનમાં માત્ર કાચો માલ મોકલતું હતું, પણ હવે જમાનો બદલાયો છે. આ વખતના નિકાસ વધારામાં ઇલેક્ટ્રોનિક્સ સેક્ટર ગેમચેન્જર સાબિત થયું છે. ભારત હવે ચીનને હાઈ-ટેક પ્રોડક્ટ્સ વેચી રહ્યું છે.
ખાસ કરીને પોપ્યુલેટેડ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ (PCBs) ની નિકાસમાં અકલ્પનીય વધારો થયો છે. જે નિકાસ પહેલા માત્ર 2.39 કરોડ ડોલર હતી, તે ઉછળીને સીધી 92.24 કરોડ ડોલર પર પહોંચી ગઈ છે.
આ ઉપરાંત ફ્લેટ પેનલ ડિસ્પ્લે અને ફોનને લગતા અત્યાધુનિક પાર્ટ્સની માંગ પણ ચીનમાં વધી છે. આ દર્શાવે છે કે ભારત હવે માત્ર એસેમ્બ્લી નહીં પણ મેન્યુફેક્ચરિંગ હબ બની રહ્યું છે.
ઝીંગા અને મસાલાની પણ બોલબાલા
માત્ર ટેકનોલોજી જ નહીં, ખેતી અને દરિયાઈ ઉત્પાદનોમાં પણ ચીની લોકો ભારતીય સ્વાદના દિવાના બન્યા છે.
સી-ફૂડ: બ્લેક ટાઇગર પ્રોન્સ અને વન્નામેઈ ઝીંગાની નિકાસમાં મોટો ઉછાળો આવ્યો છે.
ખેતી: ભારતની સૂકી મરચી અને તેલીબિયાંના ખોળની માંગમાં ભારે તેજી જોવા મળી છે.
ધાતુ: ઔદ્યોગિક કાચા માલ તરીકે એલ્યુમિનિયમ અને રિફાઈન્ડ કોપર બિલેટ્સ જેવા મેટલ પ્રોડક્ટ્સ પણ ચીન હોંશે-હોંશે ખરીદી રહ્યું છે.
ટ્રમ્પની નીતિ ભારતને ફળી?
આ બદલાવ પાછળનું એક મોટું કારણ અમેરિકાની નીતિઓ પણ માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, ટ્રમ્પ પ્રશાસને જે રીતે ટેરિફ વધાર્યા છે, તેનાથી ભારતીય નિકાસકારો માટે અમેરિકામાં ટકી રહેવું મુશ્કેલ બન્યું હતું. આવા સમયે ભારતીય ઉદ્યોગોએ હાર માનવાને બદલે ચીન તરફ નજર દોડાવી અને ત્યાં એક મોટું બજાર ઊભું કરી દીધું.
સરકારી અધિકારીઓનું માનવું છે કે આ કોઈ કામચલાઉ ફેરફાર નથી. ભારત અને ચીન વચ્ચેના વ્યાપાર સંબંધોમાં આ એક મોટો સ્ટ્રક્ચરલ બદલાવ છે, જે ભવિષ્યમાં પણ ભારતને મોટો ફાયદો કરાવી શકે છે.











