અમદાવાદ રિવરફ્રન્ટ પર કબૂતર કે પ્રાણીઓને ચણ નાખતા પહેલા ચેતજો! AMCએ લીધો મોટો નિર્ણય, જાણો નિયમો

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર હવે પક્ષીઓને ચણ કે પ્રાણીઓને ખોરાક આપવા પર પ્રતિબંધ મુકાયો છે. ગંદકી રોકવા માટે AMCએ ટાસ્કફોર્સ બનાવી છે. જો નિયમ તોડશો તો 100 રૂપિયાનો દંડ ભરવો પડશે. જાણો વિગતે.

અમદાવાદ, રવિવાર
જો તમે સાબરમતી રિવરફ્રન્ટ પર ફરવા જાવ ત્યારે પક્ષીઓને ચણ નાખવાના કે પ્રાણીઓને બિસ્કિટ-રોટલી ખવડાવવાના શોખીન હોવ, તો હવે તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ વિસ્તારમાં પક્ષીઓ અને પ્રાણીઓને ફીડીંગ પર કડક પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

ગંદકી રોકવા માટે તંત્રનો કડક નિર્ણય
શહેરમાં બર્ડ અને એનિમલ ફીડીંગના કારણે જાહેર સ્થળોએ ગંદકીનું પ્રમાણ વધી રહ્યું હતું. આ બાબતને ગંભીરતાથી લઈને કોર્પોરેશનના કેટલ ન્યૂસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા એક મહત્વનો આદેશ જાહેર કરાયો છે. જે મુજબ, સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિસ્તાર, તેને જોડતા તમામ રસ્તાઓ અને ત્યાં આવેલી ખુલ્લી જગ્યાઓ પર હવેથી કોઈપણ પ્રકારનું બર્ડ કે એનિમલ ફીડીંગ કરાવી શકાશે નહીં.

નિયમ પાલન માટે 10 સભ્યોની ટાસ્કફોર્સ
માત્ર આદેશ આપીને સંતોષ માનવાને બદલે, આ વખતે કોર્પોરેશને કડક કાર્યવાહીની તૈયારી કરી છે. રિવરફ્રન્ટ પર ગંદકી અટકાવવા માટે ખાસ 10 સભ્યોની ટાસ્કફોર્સ બનાવવામાં આવી છે. આ ટાસ્કફોર્સમાં રિવરફ્રન્ટના અધિકારીઓની સાથે સાથે રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરનો પણ સમાવેશ કરાયો છે. આ ટીમ રિવરફ્રન્ટ પર વોચ રાખશે અને જો કોઈ વ્યક્તિ પક્ષી કે પ્રાણીને ખવડાવતા નજરે પડશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરશે.

નિયમ તોડશો તો ભરવો પડશે દંડ
તંત્ર દ્વારા આ કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ બાયલોઝ-2012 અંતર્ગત કરવામાં આવશે. હેલ્થ બાયલોઝની જોગવાઈ મુજબ, જાહેરમાં પક્ષી કે પશુઓને ખવડાવવા પર મનાઈ છે. જો કોઈ વ્યક્તિ આ નિયમનો ભંગ કરતા પકડાશે, તો તેમની પાસેથી સ્થળ પર જ 100 રૂપિયાની પેનલ્ટી વસૂલ કરવામાં આવશે. આ બાયલોઝ 10 મે 2013થી અમલમાં છે, પરંતુ હવે તેનો કડક અમલ રિવરફ્રન્ટ પર શરૂ કરવામાં આવ્યો છે. સમગ્ર શહેરમાં તબક્કાવાર પ્રતિબંધ લાગશે.
કોર્પોરેશનની યોજના માત્ર રિવરફ્રન્ટ પૂરતી સીમિત નથી. આગામી સમયમાં અમદાવાદ શહેરના અન્ય જાહેર સ્થળો પર પણ તબક્કાવાર બર્ડ અને એનિમલ ફીડીંગ પર પ્રતિબંધ મુકવાનું આયોજન છે.

જાહેરમાં શ્વાન ને ખવડાવવા પર પણ રોક લાગશે
રખડતા ઢોર બાદ હવે કોર્પોરેશનનું ધ્યાન રખડતા શ્વાન પર પણ છે. શહેરમાં જ્યાં લોકો જાહેરમાં શ્વાનને ખવડાવે છે, તે જગ્યાઓ પહેલા નક્કી કરવામાં આવશે. ત્યારબાદ જાહેર સ્થળોએ શ્વાનને ખવડાવવા પર પ્રતિબંધ મુકવા અંગેની નોટિસ આપવામાં આવશે. એક અધિકારીના જણાવ્યા મુજબ, કાયદો હોવા છતાં અત્યાર સુધી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક અમલવારી થતી ન હતી, પરંતુ હવે સ્થિતિ બદલાશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!