માર્ગ અને મકાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જણાવાયું છે કે, આ બંને રોડ હવે સંપૂર્ણ રીતે તૈયાર છે અને વાહન વ્યવહાર માટે શરૂ કરી દેવામાં આવ્યા છે, જે ગાંધીનગરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક મોટો સુધારો સાબિત થશે.

ગાંધીનગર, સોમવાર
પાટનગર ગાંધીનગરના વાહનચાલકો માટે એક મોટા અને રાહતના સમાચાર છે. ચોમાસામાં રોડ પર પડતા ખાડા અને ખરાબ રસ્તાઓની સમસ્યામાંથી હવે લાંબા સમય સુધી મુક્તિ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, ગાંધીનગરના બે અત્યંત મહત્વપૂર્ણ રસ્તાઓને ‘વ્હાઈટ ટોપિંગ’ ટેક્નોલોજીથી અપગ્રેડ કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ પાછળ કુલ 38 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને હવે આ રસ્તાઓ પબ્લિક માટે ખુલ્લા મુકી દેવાયા છે.
ચોમાસાની સમસ્યાનો આવ્યો કાયમી ઉકેલ
ગુજરાતમાં દર વર્ષે ચોમાસાની સિઝનમાં ભારે વરસાદના કારણે રોડ-રસ્તાઓને મોટું નુકસાન થતું હોય છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ‘વ્હાઈટ ટોપિંગ’ ટેક્નોલોજી અપનાવવા માટે સૂચન કર્યું હતું. આ સૂચનને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક ધોરણે ગાંધીનગરમાં આ પાયલટ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. જેનું પરિણામ હવે સૌની સામે છે.
આ બે મુખ્ય રોડની કામગીરી પૂર્ણ
માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને નીચે મુજબના બે રોડનું વ્હાઈટ ટોપિંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે:
કોબા-અડાલજ લિન્ક રોડ (લંબાઈ: 6.20 km)
સરગાસણ-રક્ષાશક્તિ સર્કલ રોડ (લંબાઈ: 2.80 km)
આ બંને રોડ ગાંધીનગરની ટ્રાફિક લાઈફલાઈન ગણાય છે અને હવે તેની મજબૂતી વધતા લાખો વાહનચાલકોને મોટી રાહત મળશે. વ્હાઈટ ટોપિંગ એ રોડ કન્સ્ટ્રક્શનની એક એડવાન્સ ટેક્નિક છે, જે હાલના ડામર રોડ પર જ કરવામાં આવે છે.
આ ટેક્નોલોજીથી બનેલા રોડનું આયુષ્ય લગભગ 20 વર્ષનું હોય છે, જેથી વારંવાર રિપેરિંગનો ખર્ચ બચે છે. આ ટેક્નિકમાં જૂના ડામરના રોડ પર 20 સેન્ટીમીટર જાડું કોંક્રિટનું એક મજબૂત લેયર પાથરવામાં આવે છે. નવા RCC રોડ બનાવવા કરતાં આ ટેક્નિક વધુ આર્થિક અને ઝડપી છે. ચોમાસામાં પાણી ભરાવાને કારણે ડામર રોડમાં પડતા પેચની સમસ્યામાંથી સંપૂર્ણપણે છુટકારો મળે છે. આ રોડ પાણીના પ્રવાહને પણ સહન કરી શકે છે.











