અમેરિકાના 25% ટેરિફથી સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં ચિંતાનો માહોલ

અમેરિકામાં એક્સપોર્ટ થતા ગારમેન્ટ અને હોમ ટેક્સટાઇલ બનાવવા માટે સુરતના કાપડની સૌથી વધુ ડિમાન્ડ હોય છે. ભલે સુરતમાંથી ગારમેન્ટ કે ટેકનિકલ ટેક્સટાઇલનું સીધું એક્સપોર્ટ ઓછું થતું હોય, પરંતુ મેન-મેઇડ ફેબ્રિકમાંથી બનતી આ પ્રોડક્ટ્સ માટેનું કાપડ સુરતથી મોટા પ્રમાણમાં જાય છે.

સુરત, ગુરૂવાર
સુરતનો હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી પડકારોનો સામનો કરી રહ્યો છે, ત્યારે હવે અમેરિકા દ્વારા ભારતીય પ્રોડક્ટ્સ પર લાગુ કરાયેલા 25% ટેરિફને કારણે ઉદ્યોગકારોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. આ નવા ટેરિફની સીધી અસર સુરતના મુખ્ય ઉદ્યોગો પર થવાની શક્યતા છે, કારણ કે ભારતમાંથી અમેરિકામાં થતી નિકાસમાં સુરતનો ફાળો નોંધપાત્ર છે.

હીરા ઉદ્યોગ પર ટેરિફની અસર
સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા ત્રણ વર્ષથી મંદીનો માહોલ અનુભવી રહ્યો છે. આવામાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 25% ટેરિફથી પરિસ્થિતિ વધુ વણસી છે. ઘણા હીરા વેપારીઓએ અગાઉ હીરાની રફ અને પોલિશ્ડ હીરાના વેચાણ માટે સોદા નક્કી કર્યા હતા, જેના પર સીલ પણ મારવામાં આવ્યા હતા અને નાણાંની ચૂકવણી કરવાની બાકી હતી. જોકે, નવા ટેરિફની જાહેરાત થતાં જ આ ચૂકવણીઓ અટકાવવામાં આવી છે. હવે વેપારીઓને 25% ટેરિફ સાથે નવા સોદા કરવા પડશે, જે વેપારને મોંઘો બનાવશે અને નફાકારકતા ઘટાડશે.

સુરતના ઉદ્યોગકારો જણાવી રહ્યા છે કે ભારતમાંથી અમેરિકામાં થતા કુલ હીરા એક્સપોર્ટનો 40% હિસ્સો હોય છે, જે વાર્ષિક આશરે 8 બિલિયન ડોલર જેટલો થાય છે. આખા ભારતમાં 100 માંથી 95 હીરાનું મેન્યુફેક્ચરિંગ સુરતમાં થાય છે, જેથી આ ટેરિફની સીધી અને ગંભીર અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડશે. આગામી એક-બે મહિના સુધી હીરાનો વેપાર ધીમો રહેવાની શક્યતા છે અને વેપારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

ટેક્સટાઇલ ઉદ્યોગને પણ ફટકો
સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ પણ અમેરિકાના આ નવા ટેરિફથી ચિંતિત છે. દેશમાંથી ટેક્સટાઇલના કુલ એક્સપોર્ટમાંથી ૩૦% જેટલું એક્સપોર્ટ અમેરિકામાં થાય છે. અમેરિકા એ ટેક્સટાઇલમાં ભારતનો મોટો બાયર છે. અગાઉ, ભારતીય ટેક્સટાઇલ પ્રોડક્ટ્સ પર 10થી 12% જેટલો ટેરિફ હતો, પરંતુ ૧ ઓગસ્ટથી 25% ટેરિફ સાથે પેનલ્ટી લાગુ થવાની જાહેરાત થઈ છે, જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પર ગંભીર અસરો કરશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

અમેરિકામાં એક્સપોર્ટ થતા ગારમેન્ટ અને હોમ ટેક્સટાઇલ બનાવવા માટે સુરતના કાપડની સૌથી વધુ ડિમાન્ડ હોય છે. ભલે સુરતમાંથી ગારમેન્ટ કે ટેકનિકલ ટેક્સટાઇલનું સીધું એક્સપોર્ટ ઓછું થતું હોય, પરંતુ મેન-મેઇડ ફેબ્રિકમાંથી બનતી આ પ્રોડક્ટ્સ માટેનું કાપડ સુરતથી મોટા પ્રમાણમાં જાય છે. સુરત મેન-મેઇડ ફેબ્રિકનું હબ હોવાથી, આ ટેરિફની અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર પણ થશે. અમેરિકાના ખરીદદારો માટે ભારતીય પ્રોડક્ટ્સ મોંઘી બનશે, જેના કારણે ભારતીય ઓર્ડરમાં ઘટાડો થવાનો ભય છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!