વડોદરામાં 24 કલાકમાં 8 ઈંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. વિશ્વામિત્રી નદીનું જળસ્તર 12.5 ફૂટે પહોંચતા તંત્ર એલર્ટ મોડ પર છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે.

સંસ્કારી નગરી વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ મહેર વરસાવી છે. છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક 8 ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે વડોદરાની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતી થઈ છે.
વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો
ઉપરવાસમાં અને શહેરમાં સતત પડી રહેલા અનરાધાર વરસાદને પગલે વિશ્વામિત્રી નદીમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. હાલ નદીનું જળસ્તર ઝડપથી વધીને 12.5 ફૂટે પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. હાલ નદી ભયજનક સપાટીથી અડધે વહી રહી હોવાથી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
વધુ વરસાદથી વધતું જોખમ
હાલમાં આજવા ડેમ તેમજ હાલોલ અને પાવાગઢના કેચમેન્ટ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, જો ઉપરવાસમાંથી વધુ પાણી છોડવામાં આવશે અથવા કુદરતી પ્રવાહ વધશે, તો આગામી કલાકોમાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં હજુ પણ મોટો વધારો થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
તંત્રનું એલર્ટ અને નાગરિકોને અપીલ
વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પૂર નિયંત્રણ કક્ષ દ્વારા 24 કલાક વિશ્વામિત્રીની સપાટી પર નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા નદી કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા, સ્થળાંતર માટે તૈયાર રહેવા અને નદી નજીક ન જવાની ખાસ અપીલ કરવામાં આવી છે.










