સાબરકાંઠા: વ્યાજખોરોના ત્રાસથી પિતા-પુત્રનો કૂવામાં ઝંપલાવી આપઘાત, ફીંચોડમાં પરિવારનો માળો વિખેરાયો

આ પ્રકારની ઘટનાઓ દર્શાવે છે કે વ્યાજખોરીનો દૂષણ સમાજમાં હજુ પણ વ્યાપક છે અને તેના પર અંકુશ મેળવવા માટે વધુ કડક પગલાં લેવાની જરૂર છે.

ઇડર, શનિવાર
સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં વ્યાજખોરોના અસહ્ય ત્રાસને કારણે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઇડરના ફીંચોડ ગામમાં એક પિતા અને પુત્રએ કૂવામાં ઝંપલાવીને આપઘાત કરી લીધો છે. વ્યાજખોરોની કડક ઉઘરાણી અને ત્રાસથી કંટાળીને આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

મળતી માહિતી મુજબ, પિતાએ વ્યાજખોર પાસેથી રૂપિયા લીધા હતા અને તે ચૂકવવામાં પણ આવી રહ્યા હતા. તેમ છતાં, વ્યાજખોરો દ્વારા રૂપિયા માટે સતત કડક ઉઘરાણી કરવામાં આવતી હતી અને ઘરે આવીને ધમકીઓ પણ આપવામાં આવતી હોવાના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. આ માનસિક ત્રાસથી કંટાળીને પિતાએ પહેલા પોતાના પુત્રને કૂવામાં નાખ્યો અને પછી પોતે પણ મોતની છલાંગ લગાવી હતી.

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. PM રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. જોકે, પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી, જેથી તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

અગાઉ મહેસાણામાં પણ પરિવારે કર્યો હતો સામૂહિક આપઘાત
ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસની આ પહેલી ઘટના નથી. અગાઉ મહેસાણા જિલ્લાના કડીમાં પણ આવી જ એક કરુણ ઘટના બની હતી. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક પરિવારે નર્મદા કેનાલમાં કૂદીને સામૂહિક આપઘાત કર્યો હતો, જેમાં પતિ, પત્ની અને એક બાળકે જીવ ગુમાવ્યો હતો. તે કિસ્સામાં, પોલીસને કારમાંથી સુસાઇડ નોટ મળી હતી, જેમાં વ્યાજખોરોના નામ અને તેમના ત્રાસનો ઉલ્લેખ હતો.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!