ધવન ઉપરાંત, સુરેશ રૈના, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ અને હરભજન સિંહ જેવા જાણીતા ખેલાડીઓએ પણ આ મેચમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો.

મુંબઈ, રવિવાર
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) 2025માં ભારત ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સ વચ્ચે રવિવારે બર્મિંગહામના એજબેસ્ટોન ખાતે રમાનારી મેચ રદ કરવામાં આવી છે. ભારતીય ટીમના અનેક દિગ્ગજ ખેલાડીઓએ પાકિસ્તાન સામે રમવાનો સ્પષ્ટ ઇનકાર કર્યા બાદ આયોજકોએ આ નિર્ણય લીધો છે.
ખેલાડીઓનો વિરોધ અને મેચનો બહિષ્કાર
આ મેચનો શરૂઆતથી જ વિરોધ થઈ રહ્યો હતો. ભારતના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવનએ શનિવારે રાત્રે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે તેઓ આ મેચમાં પાકિસ્તાન સામે નહીં રમે. ધવન ઉપરાંત, સુરેશ રૈના, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ અને હરભજન સિંહ જેવા જાણીતા ખેલાડીઓએ પણ આ મેચમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. ખેલાડીઓના આ નિર્ણયથી મેચના આયોજન પર મોટો પ્રશ્નાર્થ સર્જાયો હતો.
WCLનું સત્તાવાર નિવેદન
WCL દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, “આ વર્ષે પાકિસ્તાન હોકી ટીમના ભારત આવવાના સમાચાર અને તાજેતરની ભારત વિરુદ્ધ પાકિસ્તાન વોલીબોલ મેચ તેમજ અન્ય રમતો જોયા પછી, અમે WCLમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ ચાલુ રાખવાનું વિચાર્યું હતું જેથી દુનિયાભરના લોકો માટે સુખદ યાદો બનાવી શકાય. કદાચ, આ પ્રક્રિયામાં અમે ઘણા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.”
નિવેદનમાં વધુમાં ઉમેરવામાં આવ્યું હતું કે, “અમે અજાણતાં જ અમારા લેજન્ડરી ખેલાડીઓને અસ્વસ્થ કરી દીધા હતા, જેમણે દેશનું ઘણું ગૌરવ વધાર્યું છે, અને અમે તે બ્રાન્ડ્સને પણ પ્રભાવિત કરી હતી જેણે રમત પ્રત્યેના તેમના પ્રેમને કારણે અમને ટેકો આપ્યો હતો. તેથી, અમે ભારત-પાકિસ્તાનની મેચ રદ કરવાનો નિર્ણય લીધો છે. અમે દુ:ખ માટે ફરીથી માફી માંગીએ છીએ અને આશા રાખીએ છીએ કે લોકો સમજે કે અમે ફક્ત ચાહકો માટે કેટલીક ખુશ ક્ષણો લાવવા માંગતા હતા.”











