ટ્રમ્પની આ ધમકીઓ પર ભારતે સીધો કોઈ વળતો જવાબ આપવાને બદલે સ્પષ્ટતા કરી છે કે, “દેશહિતમાં તમામ સંભવિત પગલાં લેવામાં આવશે.” એક સરકારી અધિકારીએ કહ્યું કે ભારત આ મુદ્દે અમેરિકા સાથે નેગોશિયેશન ટેબલ પર જ વાત કરશે.

નવી દિલ્હી, મંગળવાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા મુદ્દે આડે હાથે લીધું છે. તાજેતરમાં તેમણે એક નિવેદનમાં કહ્યું કે ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે અને પછી તેને ઊંચા ભાવે આંતરરાષ્ટ્રીય બજારમાં વેચીને મોટો પ્રોફિટ કમાઈ રહ્યું છે. આ સાથે જ તેમણે ભારત પર યુક્રેનની માનવીય દુર્ઘટના પ્રત્યે ઉદાસીન રહેવાનો પણ આરોપ લગાવ્યો છે.
ટ્રમ્પની નવી ધમકી: 25% ટેરિફ લાદવાની તૈયારી
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને સ્પષ્ટપણે કહ્યું કે, ભારત માત્ર રશિયા પાસેથી તેલ ખરીદીને મોટો નફો નથી કરી રહ્યું, પરંતુ રશિયાના ‘વૉર મશીન’ને પણ આર્થિક મદદ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, આ કારણે જ તેઓ ભારત પર લાદવામાં આવતા ટેરિફમાં ભારે વધારો કરશે.
અગાઉ ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, જે 1 ઓગસ્ટથી અમલમાં આવવાની હતી, પરંતુ તેને એક અઠવાડિયા માટે ટાળી દેવામાં આવી છે. નવા નિર્દેશો મુજબ, આ ટેરિફ હવે 7 ઓગસ્ટ, 2025થી ભારત, બાંગ્લાદેશ, બ્રાઝિલ અને અન્ય દેશો પર લાગુ થશે.
ભારતનો જવાબ: દેશહિત સર્વોપરી
ટ્રમ્પની આ ધમકીઓ પર ભારતે સીધો કોઈ વળતો જવાબ આપવાને બદલે સ્પષ્ટતા કરી છે કે, “દેશહિતમાં તમામ સંભવિત પગલાં લેવામાં આવશે.” એક સરકારી અધિકારીએ કહ્યું કે ભારત આ મુદ્દે અમેરિકા સાથે નેગોશિયેશન ટેબલ પર જ વાત કરશે. લોકસભામાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પણ કહ્યું હતું કે, 10 થી 15% ટેરિફની વાત થઈ છે અને આ મુદ્દે દેશહિતમાં જે પણ કરવું પડશે, તે કરવામાં આવશે.
અમેરિકા શા માટે નારાજ છે?
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ અગાઉ કહ્યું હતું કે, ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવું એ યુક્રેનમાં યુદ્ધ ચાલુ રાખવામાં મદદ કરી રહ્યું છે. આ એક એવો મુદ્દો છે, જે ભારત અને અમેરિકાના સંબંધોમાં તણાવ પેદા કરી રહ્યો છે.
રુબિયોએ વધુમાં કહ્યું કે, ભારતની ઊર્જા જરૂરિયાતો ઘણી મોટી છે અને તેલ, કોલસો, અને ગેસ જેવી વસ્તુઓ રશિયા પાસેથી સસ્તા ભાવે મળે છે, કારણ કે રશિયા પર પ્રતિબંધો લાગેલા છે. આનાથી રશિયાને આર્થિક મદદ મળી રહી છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ આ વાતથી નારાજ છે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ એકમાત્ર કારણ નથી અને ભારત-અમેરિકા વચ્ચે સહકારના અન્ય ઘણા ક્ષેત્રો પણ છે.











