ગાંધીનગરમાં વિમ લિક્વિડના બહાને વૃદ્ધોનું સોનું ઓગાળતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ, 3 શખ્સો PASA હેઠળ જેલમાં ધકેલાયા

ગાંધીનગરમાં વૃદ્ધોને દાગીના ચમકાવવાના બહાને છેતરીને સોનું ઓગાળી લેતી બિહારની આંતરરાજ્ય ગેંગના 3 સભ્યોની ગાંધીનગર પોલીસે PASA હેઠળ અટકાયત કરીને ભુજની જેલમાં મોકલી આપ્યા છે. જાણો કેવી રીતે સેલ્સમેન બનીને તેઓ ગુનાને અંજામ આપતા હતા.

ગાંધીનગર, સોમવાર
ગાંધીનગરના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના મુજબ, અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે લોકલ ક્રાઈમ બ્રાંચએ આ પગલું ભર્યું છે. આ ત્રણેય આરોપીઓને પાસા હેઠળ ભુજ-કચ્છની પાલારા જેલ ખાતે મોકલી દેવાયા છે.

સેલ્સમેન બનીને ઘરોમાં ઘૂસતા
ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ ડી. બી. વાળાના જણાવ્યા મુજબ, આરોપીઓની મોડસ ઓપરેન્ડી (ગુનો કરવાની પદ્ધતિ) એકદમ ચાલાકી ભરી હતી. આરોપીઓ જીતેન્દ્રકુમાર મંડલ, પંકજ મંડલ અને અમિત મંડલ ગાંધીનગરના વિવિધ સેક્ટરોમાં પોતાને વિમ લિક્વિડ કંપનીના સેલ્સમેન તરીકે ઓળખાવતા હતા. નવી પ્રોડક્ટનો ડેમો બતાવવાના બહાને તેઓ ઘરોમાં પ્રવેશતા. પહેલા તેઓ જૂના વાસણોને પોતાના લિક્વિડ અને ખાસ પાવડર વડે ઘસીને નવા જેવા ચમકદાર બનાવી દેતા. આનાથી વૃદ્ધ વ્યક્તિઓનો વિશ્વાસ જીતી લેતા. એકવાર વિશ્વાસ બેસી ગયા પછી, તેઓ કહેતા કે તેઓ આ જ રીતે સોનાના દાગીના પણ નવા જેવા ચમકાવી આપશે. વૃદ્ધો પાસેથી સોનાની બંગડીઓ કે અન્ય દાગીના લીધા બાદ, સાફ કરવાના બહાને તેઓ પોતાની પાસે રહેલા લિક્વિડ અને એસિડ વડે સોનું ઓગાળીને ચોરી લેતા. આ ચોરી કરેલું ઓગાળેલું સોનું પ્રવાહી સ્વરૂપે તેઓ બિહાર લઈ જઈને વેચતા હતા. આ ગેંગ વિરુદ્ધ ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં કુલ 3 ગુના નોંધાયેલા છે. આરોપીઓના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તેમની સામે PASA વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!