રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે 20% લોકફાળો: ગુજરાત સરકારનો નવો ઠરાવ

ગુજરાત સરકારના નવા ઠરાવ મુજબ, હવે ખાનગી સોસાયટીઓ અને રેસિડેન્શિયલ ફ્લેટ્સમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામો માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 20% સુધીનો લોકફાળો ફાળવી શકાશે. જાણો આ નિર્ણયની સંપૂર્ણ વિગત.

ગાંધીનગર, રવિવાર
ગુજરાત સરકારે જળસંચયના કામોને વેગ આપવા માટે એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે. તાજેતરમાં પસાર થયેલા ઠરાવ મુજબ, હવે ખાનગી સોસાયટીઓ, હાઉસિંગ બોર્ડની વસાહતો અને રહેણાંક ફ્લેટમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામો માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 20% સુધીનો લોકફાળો ફાળવી શકાશે. આ પગલું પાણીના સંરક્ષણ અને પુનઃઉપયોગને પ્રોત્સાહન આપશે.

રાજ્યમાં સિઝનનો 100% કરતાં વધુ વરસાદ પડ્યા બાદ સરકાર આ મુદ્દે સક્રિય બની છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ જોગવાઈ કરવામાં આવી છે. અગાઉ, ગરીબ અને પછાત વર્ગની સોસાયટીઓ માટે 10% લોકફાળાની જોગવાઈ હતી, જેને હવે સુધારીને તમામ ખાનગી સોસાયટીઓને આ યોજનામાં આવરી લેવામાં આવી છે અને લોકફાળાની ટકાવારી બમણી કરવામાં આવી છે.

આ ઠરાવ 10મી સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે પરકોલેશન વેલ, ખંભાતી કૂવો, રૂફ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અથવા જૂના બોરવેલને રીચાર્જ કરવાનો ખર્ચ હવે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જનભાગીદારી ઘટક હેઠળ પૂરો પાડી શકાશે.

શહેરી વિભાગ દ્વારા વર્ષોથી પાણીના સંસાધનોના સંરક્ષણ અને જળસંચય માટે વિવિધ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યા છે. આ નવા ઠરાવનો મુખ્ય હેતુ શહેરોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગના સાધનો ઊભા કરવાનો છે, જેથી વરસાદનું પુષ્કળ પાણી જમીનમાં ઉતરી શકે, ભૂગર્ભજળનું સ્તર વધે અને શહેરી વિસ્તારોમાં પાણીની તંગી ઓછી થાય. આ નિર્ણયથી નાગરિકો અને સરકાર બંનેના સહિયારા પ્રયાસોથી જળ સંરક્ષણનું લક્ષ્ય સિદ્ધ થઈ શકશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!