સપ્ટેમ્બર 2025માં ગુજરાતમાં વરસાદનું ફરી આગમન થઈ રહ્યું છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, આગામી 6 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કયા વિસ્તારોમાં ક્યારે વરસાદ પડશે, તે જાણો.

અમદાવાદ, રવિવાર
ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ભારે વરસાદ બાદ થોડા દિવસથી વરસાદે વિરામ લીધો હતો. આ વચ્ચે, હવામાન વિભાગે રાજ્યમાં ફરીથી ચોમાસું એક્ટિવ થવાની આગાહી કરી છે. આગામી 6 દિવસ એટલે કે 14 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો બીજો રાઉન્ડ આવી શકે છે.
આ આગાહી મુજબ, આવતીકાલે રવિવાર (14 સપ્ટેમ્બર) થી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યના તમામ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન, વાવાઝોડા સાથે 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.
આ તારીખોમાં ક્યાં અને કેટલો વરસાદ?
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, 17 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે.
18 અને 19 સપ્ટેમ્બરના રોજ વરસાદનું જોર થોડું વધી શકે છે. આ બે દિવસ દરમિયાન મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સિવાય, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ જેવા જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે.











