2026ની વસ્તી ગણતરી: આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ, નાગરિકો પોતે કરી શકશે ગણતરી

વસ્તી ગણતરી દરમિયાન ડિજિટલી ડેટા એકત્રિત કરવા, ટ્રાન્સફર કરવા અને તેને સુરક્ષિત રીતે સ્ટોર કરવા માટે ખૂબ જ કડક ડેટા સિક્યોરિટી મેઝર્સ લાગુ કરવામાં આવશે.

અમદાવાદ, મંગળવાર
ભારત સરકારે આગામી જનગણના 2026 અને 2027ને ડિજિટલ અને વધુ એક્સેસિબલ બનાવવા માટે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. પહેલીવાર, નાગરિકોને એક ખાસ વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્સ (એન્ડ્રોઈડ અને આઈફોન માટે) દ્વારા પોતાની માહિતી સબમિટ કરવાની સુવિધા મળશે. આ નિર્ણયથી વસ્તી ગણતરીની પ્રક્રિયા વધુ ઝડપી અને કાર્યક્ષમ બનશે.

ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, શું છે નવું?
સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી મુજબ એન્ડ્રોઈડ અને આઈફોન યુઝર્સ માટે ખાસ મોબાઈલ એપ્લિકેશન્સ વિકસાવવામાં આવશે. આ એપ્સ દ્વારા નાગરિકો વસ્તી ગણતરી સંબંધિત વિગતો સરળતાથી ભરી શકશે. આ ડેટા સુરક્ષિત રીતે સર્વર પર અપડેટ કરવામાં આવશે, જેનાથી આખી પ્રક્રિયા ઝડપી બનશે. આ ઉપરાંત, એક સમર્પિત વેબ પોર્ટલ પણ ઉપલબ્ધ રહેશે, જે વસ્તી ગણતરીના બંને તબક્કાઓ – હાઉસ લિસ્ટિંગ અને આવાસ ગણતરી તેમજ જનસંખ્યા ગણતરી માટે ઉપયોગી થશે.

એક અધિકારીએ જણાવ્યું કે, “આ ડિજિટલ જનગણના પહેલ વસ્તી ગણતરી પ્રક્રિયાને આધુનિક બનાવવાની દિશામાં એક પરિવર્તનકારી પગલું છે. પહેલીવાર, ડેટા એકત્રિત કરવા અને તેને કેન્દ્રીય સર્વર પર ઈલેક્ટ્રોનિકલી મોકલવા માટે ડિજિટલ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે. તેનાથી વસ્તી ગણતરીનો ડેટા ઝડપથી એકત્રિત કરી શકાશે.”

ડેટા સિક્યોરિટી અને ટાઈમલાઈન
વસ્તી ગણતરી દરમિયાન ડિજિટલી ડેટા એકત્રિત કરવા, ટ્રાન્સફર કરવા અને તેને સુરક્ષિત રીતે સ્ટોર કરવા માટે ખૂબ જ કડક ડેટા સિક્યોરિટી મેઝર્સ લાગુ કરવામાં આવશે.

હાઉસ લિસ્ટિંગ ઓપરેશન (HLO) 1 એપ્રિલ, 2026 થી શરૂ થશે. ત્યારબાદ, બીજા તબક્કાની પ્રક્રિયા – જનસંખ્યા ગણતરી – 1 ફેબ્રુઆરી, 2027 થી શરૂ થશે. આગામી વસ્તી ગણતરીમાં ઘરના સભ્યોની જાતિઓની પણ ગણતરી કરવામાં આવશે.

લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના બરફથી ઢંકાયેલા દુર્ગમ વિસ્તારો માટે વસ્તી ગણતરી 1 ઓક્ટોબર, 2026 ના રોજ મધ્યરાત્રિથી શરૂ થશે. જ્યારે, મેદાની વિસ્તારોમાં તેની શરૂઆત 1 માર્ચ, 2027 ના રોજ મધ્યરાત્રિથી થશે.

તાલીમ અને વહીવટી ફેરફારો
દેશમાં વસ્તી ગણતરીની શરૂઆત પછી આ 16મી અને સ્વતંત્રતા પછી 8મી વસ્તી ગણતરી હશે. આ માટે 16 જૂનના રોજ નોટિફિકેશન જારી કરવામાં આવ્યું હતું. ભારતના મહારેજિસ્ટ્રાર દ્વારા રાષ્ટ્રીય પ્રશિક્ષક, માસ્ટર પ્રશિક્ષક અને ફીલ્ડ પ્રશિક્ષક માટે ત્રણ સ્તરની તાલીમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યાપક પ્રક્રિયા માટે ફીલ્ડ પ્રશિક્ષકો લગભગ 34 લાખ ગણતરીકારો અને સુપરવાઈઝર્સને તાલીમ આપશે.

ભારતના મહારેજિસ્ટ્રાર અને જનગણના કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણ દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમની વહીવટી એકમોની સીમાઓમાં કોઈપણ પ્રસ્તાવિત ફેરફાર 31 ડિસેમ્બર, 2025 પહેલા પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. 31 ડિસેમ્બર સુધી થયેલા ફેરફારોને વસ્તી ગણતરી માટે અંતિમ માનવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, “વસ્તી ગણતરી માટે તમામ ગામો અને નગરોને એક સમાન ગણતરી બ્લોક્સમાં વિભાજિત કરવામાં આવે છે અને દરેક બ્લોક માટે એક ગણતરીકાર નિયુક્ત કરવામાં આવે છે. આ એટલા માટે કરવામાં આવે છે, જેથી વસ્તી ગણતરી દરમિયાન કોઈપણ ભૂલ કે પુનરાવર્તનથી બચી શકાય.” નિયમો અનુસાર, વસ્તી ગણતરી વહીવટી એકમો જેમ કે જિલ્લો, ઉપ-જિલ્લો, તહસીલ, તાલુકો અને પોલીસ સ્ટેશનની સીમા નિર્ધારિત થયાના ત્રણ મહિના પછી જ કરી શકાય છે. નારાયણે કહ્યું કે 1 એપ્રિલ 2026 થી મકાન સૂચીકરણ કાર્ય, સુપરવાઈઝર્સ અને ગણતરીકારોની નિમણૂક અને તેમના વચ્ચે કાર્ય વિભાજન કરવામાં આવશે અને 1 ફેબ્રુઆરી 2027થી વસ્તી ગણતરી શરૂ થશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!