2025માં 24,600 ભારતીયોને દેશનિકાલ: અમેરિકા નહીં પણ સાઉદી અરબ ટોચ પર, 11,000 લોકોને તગેડી મૂક્યા! જાણો ચોંકાવનારા આંકડા

શું તમને લાગે છે કે અમેરિકા સૌથી વધુ ભારતીયોને ડિપોર્ટ કરે છે? તો તમે ખોટા છો. 2025ના આંકડા મુજબ સાઉદી અરબે 11,000 ભારતીયોને દેશનિકાલ કર્યા છે. જાણો કયા દેશમાંથી કેટલા ભારતીયોને અને શા માટે પરત મોકલવામાં આવ્યા તેનો સંપૂર્ણ રિપોર્ટ.

નવી દિલ્હી, શનિવાર
સામાન્ય રીતે જ્યારે વિદેશમાંથી ભારતીયોને ડિપોર્ટ એટલે કે દેશનિકાલ કરવાની વાત આવે છે, ત્યારે આપણા સૌના મગજમાં પહેલું નામ અમેરિકાનું જ આવે છે. જોકે, 2025ના વર્ષમાં સામે આવેલા આંકડા તમારી આ માન્યતાને જડમૂળથી બદલી નાખશે. રાજ્યસભામાં વિદેશ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા તાજેતરના સત્તાવાર ડેટા મુજબ, દુનિયાના 81 દેશોમાંથી કુલ 24,600થી વધુ ભારતીયોને તેમના વતન પરત મોકલી દેવામાં આવ્યા છે. આ લિસ્ટમાં અમેરિકા નહીં, પરંતુ એક મુસ્લિમ દેશ સાઉદી અરબ સૌથી ટોચ પર છે. ચાલો વિગતે સમજીએ કે આખરે કયા દેશમાંથી કેટલા ભારતીયોને હાંકી કાઢવામાં આવ્યા અને તેની પાછળના કારણો શું છે.

સાઉદી અરબ અને અમેરિકાના આંકડામાં જમીન-આસમાનનો ફરક
વર્ષ 2025ના આંકડા પર નજર કરીએ તો સૌથી ચોંકાવનારી બાબત સાઉદી અરબની છે. સાઉદી અરબે એક જ વર્ષમાં 11,000થી વધુ ભારતીયોને દેશનિકાલ કર્યા છે, જે અન્ય કોઈપણ દેશની સરખામણીમાં સૌથી મોટો આંકડો છે. તેની સામે જો સુપરપાવર અમેરિકાની વાત કરીએ તો, ત્યાંથી 3,800 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. સાઉદી અરબના આંકડા અમેરિકા કરતા લગભગ 3 ગણા વધારે છે. અમેરિકામાંથી જે લોકોને પરત મોકલવામાં આવ્યા છે તેમાં મોટાભાગના લોકો ત્યાંની ખાનગી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ હતા. જોકે, છેલ્લા પાંચ વર્ષના રેકોર્ડ સાથે સરખામણી કરીએ તો 2025માં અમેરિકા દ્વારા ડિપોર્ટ કરાયેલા લોકોની સંખ્યા સૌથી વધુ છે. એક્સપર્ટ્સનું માનવું છે કે ટ્રમ્પ પ્રશાસન દ્વારા અમલમાં મૂકાયેલા કડક નિયમો, વિઝા સ્ટેટ્સની ઝીણવટભરી તપાસ, વર્ક પરમિટ અને દસ્તાવેજોની કડકાઈને કારણે આ આંકડો વધ્યો છે.

કયા દેશમાંથી કેટલા ભારતીયોને ઘરભેગા કરવામાં આવ્યા?

વિદેશ મંત્રાલયના રિપોર્ટ મુજબ, ભારતીયોને ડિપોર્ટ કરવામાં સાઉદી અરબ અને અમેરિકા બાદ એશિયાઈ દેશોનો નંબર આવે છે. આંકડાકીય માહિતી નીચે મુજબ છે:

* સાઉદી અરબ: 11,000
* અમેરિકા: 3,800
* મ્યાનમાર: 1,591
* મલેશિયા: 1,485
* UAE (દુબઈ/અબુધાબી): 1,469
* બહેરીન: 764
* થાઈલેન્ડ: 481
* કમ્બોડિયા: 305

વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવામાં અમેરિકા નહીં પણ બ્રિટન આગળ
ભારતીય વિદ્યાર્થીઓ માટે વિદેશ જવું એક સપનું હોય છે, પરંતુ અહીં પણ સ્થિતિ થોડી અલગ છે. અમેરિકામાંથી વિઝાની મુદત પૂરી થવાને કારણે વોશિંગ્ટન ડીસીમાંથી 3,414 અને હ્યુસ્ટનમાંથી 234 ભારતીયોને ડિપોર્ટ કરાયા છે. પરંતુ ખાસ વિદ્યાર્થીઓની વાત કરીએ તો, ભારતીય સ્ટુડન્ટ્સને પરત મોકલવામાં યુકે પહેલા નંબરે છે. બ્રિટને વર્ષ 2025માં 170 વિદ્યાર્થીઓને ઘરભેગા કર્યા છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ 114, રશિયાએ 82 અને અમેરિકાએ માત્ર 45 વિદ્યાર્થીઓને ડિપોર્ટ કર્યા છે. એટલે કે વિદ્યાર્થીઓના કિસ્સામાં અમેરિકા કરતા યુકે અને ઓસ્ટ્રેલિયા વધારે કડક સાબિત થયા છે.

ડિપોર્ટેશન પાછળનું અસલી કારણ શું?
લોકોને વિદેશમાંથી શા માટે કાઢી મૂકવામાં આવે છે તેના કારણો દરેક દેશ મુજબ અલગ-અલગ છે. તેલંગાણા સરકારની NRI સલાહકાર સમિતિના જણાવ્યા મુજબ, ખાડી દેશો (જેમ કે સાઉદી, UAE)માં એક ચોક્કસ પેટર્ન જોવા મળે છે. અહીં ભારતમાંથી મોટી સંખ્યામાં અકુશળ મજૂરો અથવા નોકર તરીકે કામ કરવા જતા લોકો એજન્ટો મારફતે જાય છે. ઘણીવાર વધુ પૈસા કમાવવાની લાલચમાં તેઓ નાના-મોટા ગુનાઓમાં સંડોવાય છે અથવા વિઝા પૂરા થયા પછી પણ ગેરકાયદેસર રોકાઈ જાય છે (ઓવરસ્ટે). ઘણી વખત ગરીબ મજૂરો એજન્ટોની છેતરપિંડીનો શિકાર બનીને ત્યાં ફસાઈ જાય છે અને અંતે પોલીસે તેમને પકડીને ડિપોર્ટ કરવા પડે છે.

બીજી તરફ મ્યાનમાર અને કમ્બોડિયા જેવા દેશોની કહાની ડરામણી છે. અહીં સાઈબર ગુલામી (Cyber Slavery)ના કિસ્સાઓ સામે આવ્યા છે. ભારતીય યુવાનોને મોટા પગારવાળી આઈટી જોબની લાલચ આપીને બોલાવવામાં આવે છે અને બાદમાં તેમને બંધક બનાવીને ગેરકાયદેસર ઓનલાઇન કામો કરવા મજબૂર કરવામાં આવે છે. જ્યારે આ રેકેટ પકડાય છે, ત્યારે તેમની ધરપકડ કરીને તેમને ડિપોર્ટ કરી દેવામાં આવે છે. આમ, દરેક દેશમાંથી પરત ફરવા પાછળની મજબૂરી અને કારણો જુદા જુદા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!