દહેગામમાં રબારી સમાજની શૈક્ષણિક ક્રાંતિ: પૂર્વ IPS વી.વી. રબારીના પ્રયાસોથી હાઈ-ટેક સ્ટડી સેન્ટર શરૂ, 200 યુવાનો બનાવશે ભવિષ્ય

દહેગામમાં રબારી શિક્ષણ સમિતિ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિનામૂલ્યે સ્ટડી સેન્ટર શરૂ કરાયું છે. પૂર્વ IPS વી.વી. રબારી અને અમૃતભાઈ દેસાઈના સહયોગથી શરૂ થયેલા આ સેન્ટરનો લાભ 200 વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે. જાણો આ ખાસ પહેલ વિશે.

 

દહેગામ, શુક્રવાર
શિક્ષણ એ જ સમાજના ઉત્થાનની ચાવી છે, આ વાતને સાર્થક કરતા દહેગામ તાલુકા રબારી સમાજે એક નવી અને પ્રેરણાદાયી પહેલ કરી છે. સમાજના યુવાનો સરકારી નોકરીઓમાં આગળ વધે અને ઉજ્જવળ કારકિર્દી ઘડે તે હેતુથી દહેગામ ખાતે અદ્યતન સ્ટડી સેન્ટર’નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ આયોજનમાં પૂર્વ IPS અધિકારી વી.વી. રબારી અને અન્ય દાતાઓનું યોગદાન પાયાનું રહ્યું છે.

શરૂઆત ક્યાંથી થઈ?
આ ઉમદા કાર્યના બીજ 4 નવેમ્બર, 2025ના રોજ રોપાયા હતા. પૂર્વ IPS અધિકારી વી.વી. રબારીના નિવાસસ્થાને દહેગામ તાલુકા રબારી શિક્ષણ સમિતિની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જ નક્કી કરવામાં આવ્યું હતું કે સમાજના દીકરા-દીકરીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું કોચિંગ સેન્ટર શરૂ કરવું અનિવાર્ય છે. વી.વી. રબારીએ આ પ્રોજેક્ટમાં મુખ્ય દાતા તરીકે નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.

સ્થળ અને સુવિધાઓનું નિઃશુલ્ક દાન
આ સ્ટડી સેન્ટર માટે જગ્યાની વ્યવસ્થા પણ સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા કરવામાં આવી છે. મૂળ સાબરકાંઠાના પ્રાંતિજ (દલાની મુવાડી)ના અને હાલ દહેગામ સ્થિત અમૃતભાઈ લીલાભાઈ દેસાઈએ ઉદાર હાથે મદદ કરી છે. તેમણે દહેગામના નહેરુ ચોકડી પાસે આવેલ અશ્વમેઘ કોમ્પ્લેક્સના બીજા માળે આવેલો 6000 સ્ક્વેર ફૂટનો વિશાળ હોલ 1 વર્ષ માટે સમાજને વિનામૂલ્યે વાપરવા આપ્યો છે.

એટલું જ નહીં, પોલીસ કે આર્મી જેવી ભરતીમાં ફિઝિકલ ટ્રેનિંગ ખૂબ જરૂરી હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમૃતભાઈએ વિદ્યાર્થીઓની પ્રેક્ટિસ માટે 10000 વારનું મેદાન (ગ્રાઉન્ડ) પણ 2 મહિના માટે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવ્યું છે.

200 વિદ્યાર્થીઓનો જબરદસ્ત પ્રતિસાદ
આ પહેલને કારણે દહેગામ તાલુકાના રબારી સમાજમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો છે. વડીલોએ ગામેગામ ફરીને યુવાનોને જાગૃત કર્યા, જેના પરિણામે માત્ર 1 મહિનો અને 20 દિવસના ટૂંકા ગાળામાં જ કુલ 200 વિદ્યાર્થીઓએ જેમાં ભાઈઓ અને બહેનો બંને સામેલ છે એમને રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

ભવ્ય ઉદ્ઘાટન અને સમયપત્રક
તારીખ 25 ડિસેમ્બર, 2025ના રોજ રબારી સમાજના ધર્મધુરંધર પરમ પૂજ્ય 1008 ગણેશદાસજી ગુરુના હસ્તે રિબન કાપીને આ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ગુરુજીએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપી સફળતા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

આ સેન્ટર પર વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઇ છે. દરરોજ બપોરે 12:30 થી 4:00 વાગ્યા સુધી ક્લાસીસ ચાલશે. તેમજ સવારે અને સાંજે ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરવાની સુવિધા. અને પ્રોજેક્ટ બોર્ડ દ્વારા ડિજિટલ પદ્ધતિથી અને અનુભવી માર્ગદર્શકો દ્વારા શિક્ષણ આપવામાં આવશે.

ભવિષ્યના અધિકારીઓ તૈયાર કરવા આ સ્ટડી સેન્ટરનો એકમાત્ર ઉદ્દેશ્ય યુવાનોને IPS, PSI, DySP, કોન્સ્ટેબલ, તલાટી અને ક્લાર્ક જેવી સરકારી નોકરીઓ માટે તૈયાર કરવાનો છે. ઉદ્ઘાટન પ્રસંગે સમાજના આગેવાનો, અધિકારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દહેગામ રબારી સમાજની આ એકતા અને શિક્ષણ પ્રત્યેની જાગૃતિ અન્ય સમાજો માટે પણ ઉદાહરણરૂપ છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!