બાંગ્લાદેશમાં દિપુ ચંદ્ર દાસ અને અમૃત મંડળની હત્યા બાદ હિન્દુ સમુદાય ભયના ઓથાર હેઠળ છે. BNP નેતા તારિક રહેમાનની સક્રિયતાથી ચિંતા વધી છે. હિન્દુઓ ભારત પાસે મદદ માંગી રહ્યા છે. વાંચો ગ્રાઉન્ડ રિપોર્ટ.

બાંગ્લાદેશ, શનિવાર
બાંગ્લાદેશમાં હાલના સંજોગો લઘુમતી હિન્દુ સમુદાય માટે અત્યંત ચિંતાજનક બની ગયા છે. તાજેતરમાં બનેલી બે હૃદયદ્રાવક ઘટનાઓ, જેમાં દિપુ ચંદ્ર દાસ અને અમૃત મંડળની નિર્મમ હત્યા કરવામાં આવી, તેણે સમગ્ર હિન્દુ સમાજને હચમચાવી દીધો છે. આ ઘટનાઓને કારણે દેશભરમાં વસતા હિન્દુઓ ભારે દહેશત અને આઘાતમાં સરી પડ્યા છે. અલગ-અલગ વિસ્તારોમાંથી મળતા અહેવાલો મુજબ, ત્યાંના હિન્દુઓ કટ્ટરપંથી ભીડની હિંસાના પડછાયા હેઠળ જીવવા મજબૂર બન્યા છે. પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે હવે તેમની પાસે ભારત પાસે મદદ માંગવા અને સરહદો ખોલવાની અપીલ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ દેખાઈ રહ્યો નથી.
હિન્દુ સમુદાયમાં ફેલાયેલા આ ડર પાછળનું એક મોટું કારણ રાજકીય ઉથલપાથલ પણ છે. ગુરૂવારે આ ભય ત્યારે વધુ ઘેરો બન્યો જ્યારે બાંગ્લાદેશ નેશનલ પાર્ટી (BNP)ના નેતા તારિક રહેમાનના સમર્થનમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની હતી. તારિક રહેમાન, જેમને ‘ડાર્ક પ્રિન્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ તેમની કટ્ટરપંથી વિચારધારા માટે જાણીતા છે. તેમની સક્રિયતા અને સંભવિત વાપસીને હિન્દુ સમુદાય પોતાના અસ્તિત્વ માટે મોટા જોખમ તરીકે જોઈ રહ્યો છે. લોકોમાં ફફડાટ છે કે જો તારિક રહેમાનનું વર્ચસ્વ વધશે તો લઘુમતીઓ પરના અત્યાચારોમાં વધારો થઈ શકે છે.
મીડિયા અહેવાલો અનુસાર, બાંગ્લાદેશના રંગપુર, ઢાકા, ચિત્તાગાંગ અને મયમનસિંઘ જેવા શહેરોમાં રહેતા હિન્દુઓમાં સૌથી વધુ ડરનો માહોલ છે. જમીની હકીકતનું વર્ણન કરતા રંગપુરના એક 52 વર્ષીય હિન્દુ નાગરિકે પોતાની વ્યથા ઠાલવી હતી. તેમણે કહ્યું કે, “અમે દરરોજ અમારા ધર્મને કારણે અપમાન સહન કરીએ છીએ, પણ હવે વિરોધ કરવાની હિંમત રહી નથી. રસ્તા પર ચાલતા-ચાલતા જે મેણા-ટોણા મારવામાં આવે છે તે ગમે ત્યારે હિંસામાં ફેરવાઈ શકે છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેમને સતત બીક લાગે છે કે તેમની હાલત પણ દિપુ કે અમૃત જેવી ન થાય. તેઓ અહીં ખરાબ રીતે ફસાઈ ગયા છે અને કોઈ સુરક્ષિત જગ્યા બચી નથી.
આ ભયના માહોલ વચ્ચે લઘુમતીઓ ભારત તરફ મીટ માંડીને બેઠા છે. સ્થાનિકોનું કહેવું છે કે BNP સત્તામાં આવશે તો સ્થિતિ વધુ વણસી શકે છે, કારણ કે આ પક્ષ લઘુમતીઓ પ્રત્યે દુશ્મનાવટભર્યું વલણ ધરાવે છે. રંગપુરના રહેવાસીએ પીડા સાથે જણાવ્યું હતું કે, “અમે ભારત જવા માંગીએ છીએ, પણ સરહદો પર સખત સુરક્ષા વ્યવસ્થા છે.” બીજી તરફ, ઢાકાના એક નાગરિકે કહ્યું કે દિપુ દાસની હત્યાએ તેમને પહેલેથી જ ડરાવી દીધા હતા, અને હવે પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાનની વાપસીએ ચિંતા બમણી કરી દીધી છે. અત્યાર સુધી શેખ હસીનાની આવામી લીગ તેમનું એકમાત્ર સુરક્ષા કવચ હતી, પરંતુ હવે ભવિષ્ય ધૂંધળું દેખાઈ રહ્યું છે. આમ, અપમાન અને અસુરક્ષા વચ્ચે જીવતા હિન્દુઓ હાલ ભારત પાસે આશા રાખી રહ્યા છે.











