દહેગામના કડાદરા ગામમાં થયેલા 60 લાખના દારૂ ઝડપાવા પ્રકરણમાં પોલીસે મોટી કાર્યવાહી કરતા 3 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા બાદ 11 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને પોલીસે તાત્કાલિક રીકન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરી છે.

દહેગામ, સોમવાર
થોડા સમય અગાઉ દહેગામ પોલીસે કડાદરા ગામની સીમમાં એક મકાનમાંથી 60 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ઘટના બાદથી આરોપીઓ ફરાર હતા, જેના કારણે પોલીસ માટે તેમને પકડવા એક મોટો પડકાર હતો.

દહેગામ પોલીસ સ્ટેશનની ટીમે સઘન તપાસ અને બાતમીના આધારે આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓ રામનગરના લિસ્ટેડ બુટલેગર દિનેશભાઈ ડાહ્યાભાઈ ભરવાડ, દસક્રોઈ તાલુકાના પસુજની મુવાડીના સંજય રમેશભાઈ ડાભી અને દહેગામના દેવપુરા ગામના ભરતસિંહ મહેન્દ્રસિંહ ઝાલા ને ઝડપી પાડ્યા છે.

આરોપીઓની ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે 11 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ મળ્યા બાદ દહેગામ પોલીસની ટીમ આરોપીઓને લઈને કડાદરા ગામ પહોંચી હતી, જ્યાં દારૂ ક્યાંથી આવ્યો, કેવી રીતે સંગ્રહ કરાયો અને કોને સપ્લાય થવાનો હતો તે અંગે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહીથી દારૂના નેટવર્કમાં સંડોવાયેલા અન્ય લોકોના નામ પણ બહાર આવે તેવી શક્યતા છે. પોલીસ આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં અન્ય આરોપીઓની પણ ધરપકડ થવાની સંભાવના છે.











