બિહાર ઇલેક્શન 2025: શંકરાચાર્યની રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી, 243 સીટ પર ‘ગૌભક્ત’ ઉમેદવાર ઉતારશે!

બિહાર વિધાનસભા ચૂંટણી 2025 પહેલા જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે મોટી જાહેરાત કરી છે. જાણો શા માટે તેઓ તમામ 243 બેઠકો પર ‘ગૌભક્ત’ ઉમેદવારોને ઉતારી રહ્યા છે અને રાજકીય પક્ષોનું ટેન્શન કેમ વધી ગયું છે.

બિહાર, બુધવાર
બિહાર વિધાનસભા ઇલેક્શન 2025ને લઈને પોલિટિકલ માહોલ ગરમાયો છે. આ બધાની વચ્ચે, જ્યોતિષ પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ રાજકારણમાં સીધી એન્ટ્રી કરવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. તેમણે એલાન કર્યું છે કે તેમનું સંગઠન બિહારની તમામ 243 વિધાનસભા સીટ પર ‘ગૌભક્ત’ ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતારશે. આ જાહેરાત બાદ રાજ્યના મુખ્ય રાજકીય પક્ષોમાં ચિંતાનો માહોલ છે.

“ગૌ મતદાતા સંકલ્પ યાત્રા” બની કારણ
શંકરાચાર્યએ આ મોટી જાહેરાત ફારબિસગંજમાં ચાલી રહેલી “ગૌ મતદાતા સંકલ્પ યાત્રા” દરમિયાન કરી હતી. ત્યાં હજારો ગૌરક્ષકો અને સનાતન ધર્મના અનુયાયીઓને સંબોધતા તેમણે સ્પષ્ટ કહ્યું કે, “ગાયનું રક્ષણ એ જ સનાતન ધર્મ અને ભારતીય સમાજનું સાચું રક્ષણ છે.” તેમણે હાલના રાજકીય પક્ષો પર કટાક્ષ કરતાં કહ્યું કે તેઓ માત્ર દેખાવ પૂરતા સનાતની છે, પરંતુ તેમના એજન્ડામાં ગૌમાતા કે સનાતન ધર્મની કોઈ સાચી ચિંતા દેખાતી નથી.

‘ગૌ માતાને રાષ્ટ્ર માતા’ જાહેર કરવાની માગ
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું કે તેમણે તમામ નેશનલ પાર્ટીઓ સાથે મુલાકાત કરીને સંસદમાં ‘ગૌ માતાને રાષ્ટ્ર માતા’નો દરજ્જો આપવાની માગ કરી હતી. જોકે, કોઈ પણ પાર્ટીએ આ મુદ્દે સ્પષ્ટ સમર્થન આપ્યું નથી. આ કારણે હવે ધર્મ અને ગૌ રક્ષા માટે તેમના સંગઠને જાતે જ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યું કે તેઓ પોતે આ બધા ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરશે અને સનાતની મતદારોને ફક્ત ‘ગૌભક્ત’ ઉમેદવારને જ વોટ આપવા અપીલ કરશે.

સરકારની પોલિસી પર ઉઠાવ્યા સવાલ
શંકરાચાર્યે બિહારમાં વધી રહેલા પશુ કતલખાના અને ગૌહત્યાના મુદ્દે રાજ્ય સરકારની નીતિઓની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આજ સુધી કોઈ પણ સરકારે ગાયની સુરક્ષા માટે કોઈ મજબૂત પોલિસી બનાવી નથી, માત્ર વોટ બેંકનું રાજકારણ કર્યું છે. શંકરાચાર્યના આ પગલાથી બિહારના રાજકારણમાં એક નવો ધાર્મિક અને સામાજિક મોરચો ખૂલ્યો છે. હવે જોવાનું એ રહેશે કે શું આ ‘ગૌભક્ત’ ઉમેદવારો કોઈ નવા પોલિટિકલ સમીકરણો બનાવી શકશે કે તેમની અસર સીમિત રહેશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!