ગુજરાતમાં PM વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ST વિદ્યાર્થીઓની પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિમાં 48%નો મોટો ઘટાડો નોંધાયો છે. જાણો અમદાવાદ, સુરત, અને દાહોદ સહિતના જિલ્લાઓના ચોંકાવનારા આંકડા અને શિક્ષણ પર તેની અસર.

ગાંધીનગર, ગુરૂવાર
ગુજરાતમાં આદિવાસી વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપતી પ્રધાનમંત્રી વનબંધુ કલ્યાણ યોજનાના તાજેતરના આંકડા એક ચિંતાજનક તસવીર રજૂ કરી રહ્યા છે. એક નવા સરકારી રિપોર્ટ મુજબ, રાજ્યમાં પ્રી-મેટ્રિક (ધોરણ 9-10) માં શિષ્યવૃત્તિ મેળવતા અનુસૂચિત જનજાતિ (ST) ના વિદ્યાર્થીઓની સરખામણીમાં પોસ્ટ-મેટ્રિક (ધોરણ 11 અને તેથી વધુ) માં લાભાર્થીઓની સંખ્યામાં સીધો 48% નો ઘટાડો જોવા મળ્યો છે. આ ડેટા સૂચવે છે કે હજારો વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી ઉચ્ચ શિક્ષણ માટે મળતી આર્થિક સહાયથી વંચિત રહી જાય છે.
આંકડા શું કહે છે?
આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2022-23 થી 2024-25 દરમિયાન ગુજરાતમાં કુલ 6.35 લાખ ST વિદ્યાર્થીઓએ પ્રી-મેટ્રિક સ્કોલરશીપનો લાભ લીધો હતો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આ જ સમયગાળામાં પોસ્ટ-મેટ્રિક સ્કોલરશીપ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટીને માત્ર 3.28 લાખ રહી ગઈ હતી. આ 48% નો ઘટાડો એ સવાલ ઉભો કરે છે કે શું વિદ્યાર્થીઓ ભણતર છોડી રહ્યા છે કે પછી યોજનાનો લાભ તેમના સુધી પહોંચી નથી રહ્યો?
જિલ્લાવાર સ્થિતિ વધુ ગંભીર
આ સમસ્યા માત્ર રાજ્ય સ્તરે જ નહીં, પરંતુ જિલ્લાવાર આંકડામાં પણ સ્પષ્ટપણે દેખાય છે:
અમદાવાદ: અહીં તફાવત સૌથી મોટો છે. 42,845 વિદ્યાર્થીઓને પ્રી-મેટ્રિક સ્કોલરશીપ મળી, જ્યારે પોસ્ટ-મેટ્રિકમાં આ આંકડો ઘટીને માત્ર 2,727 પર આવી ગયો.
બનાસકાંઠા: 51,701 પ્રી-મેટ્રિક લાભાર્થીઓ સામે માત્ર 10,675 વિદ્યાર્થીઓને જ પોસ્ટ-મેટ્રિક સહાય મળી.
દાહોદ: સૌથી વધુ 75,917 પ્રી-મેટ્રિક લાભાર્થીઓ હતા, જે પોસ્ટ-મેટ્રિકમાં ઘટીને 57,624 થયા.
સુરત: 58,787 પ્રી-મેટ્રિક વિદ્યાર્થીઓ સામે પોસ્ટ-મેટ્રિકમાં માત્ર 26,986 વિદ્યાર્થીઓ નોંધાયા.
વલસાડ: 62,666 પ્રી-મેટ્રિક લાભાર્થીઓ સામે પોસ્ટ-મેટ્રિકમાં સંખ્યા 36,228 રહી.
શું છે શિષ્યવૃત્તિ ની જોગવાઈઓ?
પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિ: આ સ્કોલરશીપ ધોરણ 9 અને 10 માં ભણતા ST વિદ્યાર્થીઓને મળે છે. આ માટે માતા-પિતાની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.
પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ: આ સ્કોલરશીપ ધોરણ 11 અને તેથી ઉપરના અભ્યાસક્રમો માટે છે. તેમાં સરકાર દ્વારા નક્કી કરેલી મર્યાદામાં ફરજિયાત ફીની ભરપાઈ કરવામાં આવે છે અને કોર્સના આધારે દર મહિને 230 થી 1,200 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે.










