ઉત્તર ચેન્નાઈ થર્મલ પાવર સ્ટેશન (એનર્જી) ના નિર્માણ સ્થળ પર મંગળવારે એક મોટો અકસ્માત થયો હતો, જેમાં એક આર્ચ અચાનક તૂટી પડતા ૯ મજૂરોનું કરૂણ મૃત્યુ થયું છે

ઉત્તર ચેન્નાઈ થર્મલ પાવર સ્ટેશન (એનર્જી) ના નિર્માણ સ્થળ પર મંગળવારે એક મોટો અકસ્માત થયો હતો, જેમાં એક નિર્માણાધીન કમાન (આર્ચ) અચાનક તૂટી પડતા ૯ મજૂરોનું કરૂણ મૃત્યુ થયું છે, જ્યારે ૧૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.પ્રાથમિક અહેવાલો મુજબ, લગભગ ૩૦ ફૂટની ઊંચાઈએથી આર્ચ તૂટી પડવાના કારણે અનેક પરપ્રાંતીય મજૂરો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. અચાનક થયેલા આ અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી અને દબાયેલા મજૂરોને બહાર કાઢવા માટે બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘાયલોમાંથી એક મજૂરની હાલત અત્યંત ગંભીર છે. ગંભીર રીતે ઘાયલ થયેલા તમામ મજૂરોને તાત્કાલિક ઉત્તર ચેન્નાઈની સ્ટેનલી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
અવાડી પોલીસ કમિશનરે જણાવ્યું કે, ઇમારત ધસી પડવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ બચાવ કામગીરી સતત ચાલુ છે અને ઘટનાની સંપૂર્ણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીમાં પણ મદુરાઈના મટ્ટુથવાની બસ સ્ટેન્ડ પર એક આર્ચને પાડતી વખતે થયેલા અકસ્માતમાં એક અર્થમુવર ઓપરેટરનું મૃત્યુ થયું હતું.










