કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠન (CDSCO) એ ડેનમાર્કની કંપની દ્વારા તૈયાર કરાયેલી નવી દવા ‘સેમાગ્લુટાઇડ’ (Semaglutide) ને ભારતીય બજારમાં લાવવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે.

ભારતમાં ટાઇપ-૨ ડાયાબિટીસના દર્દીઓ માટે સારવારનો એક નવો વિકલ્પ ઉપલબ્ધ થયો છે. કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠન (CDSCO) એ ડેનમાર્કની કંપની દ્વારા તૈયાર કરાયેલી નવી દવા ‘સેમાગ્લુટાઇડ’ (Semaglutide) ને ભારતીય બજારમાં લાવવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ દવા ઇન્જેક્શનના રૂપમાં તૈયાર થયેલું ફિનિશ્ડ ફોર્મ્યુલેશન છે.
સેમાગ્લુટાઇડ દવા ‘ગ્લુકાગન લાઈક પેપ્ટાઈડ-૧ રિસેપ્ટર એગોનિસ્ટ’ શ્રેણીની છે, જે ઇન્સ્યુલિનની જેમ કામ કરે છે. આ દવા એવા પુખ્ત વયના દર્દીઓ માટે છે, જેમને આહાર અને કસરતથી પૂરતું નિયંત્રણ નથી મળી રહ્યું અથવા જેઓ મેટફોર્મિન જેવી પરંપરાગત દવાઓ સહન કરી શકતા નથી કે તે અસરકારક નથી.
‘ઓઝેમ્પિક’ (Ozempic) નામથી પણ જાણીતી આ દવા માત્ર બ્લડ સુગર લેવલને નિયંત્રિત નથી કરતી, પરંતુ તેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા હૃદય રોગોના જોખમને પણ ઘટાડી શકાય છે. વૈશ્વિક સ્તરે થયેલા ક્લિનિકલ ટ્રાયલ્સમાં સાબિત થયું છે કે આ દવા વજન ઘટાડવામાં પણ અસરકારક સાબિત થઈ છે. ભારતમાં આ દવાને મંજૂરી મળતાં ટાઇપ-૨ ડાયાબિટીસના જટિલ કેસોમાં સારવાર વધુ આધુનિક બનશે.











