ભરૂચના આમોદ ગામમાં 37થી વધુ હિન્દુ પરિવારોના 100થી વધુ લોકોને મુસ્લિમ બનાવવાનો ચોંકાવનારો કેસ. ગુજરાત હાઇકોર્ટે આ ષડયંત્રને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો,જાણો કેવી રીતે વિદેશી ફંડિંગ અને પાકિસ્તાન કનેક્શનનો પર્દાફાશ થયો.

અમદાવાદ, ગુરૂવાર
ગુજરાતના શાંતિપૂર્ણ ઇતિહાસમાં કલંક લગાવનારો એક અત્યંત ગંભીર અને સનસનીખેજ મામલો સામે આવ્યો છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના એક ગામમાં, એક સુનિયોજિત અને ખતરનાક ષડયંત્રના ભાગરૂપે 37થી વધુ હિન્દુ પરિવારોના 100થી વધુ સભ્યોનું ધર્માંતરણ કરાવીને તેમને મુસ્લિમ બનાવી દેવામાં આવ્યા હતા. આ કેસ જ્યારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો, ત્યારે તેની સુનાવણી દરમિયાન જે ખુલાસા થયા તે જાણીને ખુદ કોર્ટ પણ ચોંકી ઉઠી હતી. આ કેસમાં વિદેશી ફંડિંગ, પાકિસ્તાન-કાશ્મીર કનેક્શન અને રાષ્ટ્રવ્યાપી ષડયંત્રની વિગતો સામે આવી છે.
હાઇકોર્ટનો લેન્ડમાર્ક ચુકાદો: “આ માત્ર ધર્માંતરણ નથી, દેશ વિરોધી ષડયંત્ર છે”
આ કેસના આરોપીઓએ પોતાની સામેની FIR રદ કરાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરી હતી. જોકે, કેસની ગંભીરતાને જોતા જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઈએ આ પિટિશનને ફગાવી દેતા એક લેન્ડમાર્ક જજમેન્ટ આપ્યું હતું. કોર્ટે સ્પષ્ટપણે અવલોકન કર્યું કે, “આ માત્ર કોઈ એક વ્યક્તિના ધર્માંતરણનો મામલો નથી, પરંતુ આ એક બહુ મોટી અને વ્યાપક ગુનાહિત ષડયંત્રનો ભાગ છે.” સની સંવેદનશીલતાને કારણે હાઇકોર્ટે તેનું લાઇવ સ્ટ્રીમિંગ પણ અટકાવી દીધું હતું. કોર્ટે આરોપીઓને કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કરતાં કહ્યું કે, ચાર્જશીટ થયેલા તમામ આરોપીઓએ ટ્રાયલનો સામનો કરવો જ પડશે.
કેવી રીતે ચાલતું હતું આખું ષડયંત્ર?
સરકારી વકીલના જણાવ્યા મુજબ, આ ષડયંત્ર છેલ્લા 15 વર્ષથી ચાલી રહ્યું હતું. આરોપીઓ ગામના જરૂરિયાતમંદ અને આર્થિક રીતે પછાત હિન્દુ પરિવારોને ટાર્ગેટ કરતા હતા. તેમને આર્થિક મદદ, મકાન, નોકરી, અનાજ અને ઘરવપરાશની ચીજવસ્તુઓ જેવી કે કુલર આપવાની લાલચ અપાતી હતી. તેમની ગરીબી અને મજબૂરીનો ફાયદો ઉઠાવીને બહુ પદ્ધતિસર રીતે તેમને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે પ્રેરવામાં આવતા હતા. આ આખું કાવતરું એક ગોઠવાયેલી ચેઇન મુજબ કામ કરતું હતું, જેમાં સ્થાનિક આરોપીઓથી લઈને વિદેશમાં બેઠેલા સૂત્રધારો પણ સામેલ હતા.
વિદેશી કનેક્શન અને જેહાદી ટ્રેનિંગનો પર્દાફાશ
તપાસમાં સામે આવ્યું કે આ ધર્માંતરણ માટે વિદેશથી મોટા પાયે ફંડિંગ આવતું હતું. આ કેસનું મુખ્ય સૂત્રધાર લંડનમાં રહેતો અબ્દુલ આદમ પટેલ ઉર્ફે ફેફડાવાલા હાજી હોવાનું બહાર આવ્યું છે. તે FIR નોંધાયા પહેલાં 25 વખત ભારત આવીને ગયો હતો, પરંતુ કેસ થયા બાદ તે એકવાર પણ પાછો ફર્યો નથી અને હાલ ભાગેડુ છે. ધર્માંતરણ કરાવ્યા બાદ લોકોને માત્ર મુસ્લિમ નામ જ નહોતા અપાતા, પરંતુ તેમને જેહાદ અને કટ્ટરતાવાદની ટ્રેનિંગ પણ અપાતી હતી. તેમને કલમા પઢાવવાથી લઈને ઉશ્કેરણીજનક ભાષણો અને સાહિત્ય દ્વારા તેમનું માઇન્ડ વોશ કરવામાં આવતું હતું. આરોપીઓ પીડિતોને ડરાવવા અને ધમકાવવા માટે પાકિસ્તાન અને કાશ્મીરમાં પોતાના કનેક્શન હોવાનો ડર બતાવતા હતા.
એક પીડિતની હિંમતથી થયો સમગ્ર કાંડનો ખુલાસો
આ ખતરનાક ષડયંત્રનો પર્દાફાશ આમોદ ગામના જ પ્રવીણ વસાવા નામના વ્યક્તિએ કર્યો, જે પોતે આ ષડયંત્રનો ભોગ બન્યા હતા. આરોપીઓએ તેમને પણ મુસ્લિમ બનાવી દીધા હતા. જોકે, જ્યારે તેમને જેહાદી કાર્યક્રમોમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં હિન્દુ વિરોધી ભાષણો સાંભળ્યા, ત્યારે તેમનો આત્મા કકળી ઉઠ્યો. તેમને સમજાયું કે આ માત્ર સ્થાનિક સ્તરની ઘટના નથી, પરંતુ દેશવ્યાપી ષડયંત્ર છે.
આરોપીઓએ તેમને મારી નાખવાની ધમકી આપી, પરંતુ પ્રવીણ વસાવાએ હિંમત ન હારી અને 15 નવેમ્બર, 2021ના રોજ આમોદ પોલીસ સ્ટેશનમાં સમગ્ર ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, જેના પગલે આ રાષ્ટ્રવ્યાપી ષડયંત્રનો પર્દાફાશ થયો.હાઇકોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તપાસ એજન્સીઓએ આ ષડયંત્રના મૂળ સુધી પહોંચવું જોઈએ અને ટ્રાયલ કોર્ટે કોઈપણ અવલોકનથી પ્રભાવિત થયા વિના કેસની સુનાવણી કરવી જોઈએ.











