ઉમા ભારતીએ કહ્યું, “હું રાજકારણમાં રતીભાર પણ હાંસિયા પર નથી… મેં પાર્ટીને જાણ કરી દીધી છે કે હું ૨૦૨૯માં લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયાર છું.

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ઉમા ભારતીએ બુધવારે એ દાવાઓને નકારી કાઢ્યા હતા કે તેઓ રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયા છે. તેમણે રાજધાની ભોપાલમાં પત્રકારો સાથે વાતચીત કરતાં ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે તેઓ વર્ષ ૨૦૨૯ની લોકસભા ચૂંટણી લડવા માગે છે, પરંતુ માત્ર ઝાંસી સંસદીય બેઠક પરથી જ.
ઉમા ભારતીએ કહ્યું, “હું રાજકારણમાં રતીભાર પણ હાંસિયા પર નથી… મેં પાર્ટીને જાણ કરી દીધી છે કે હું ૨૦૨૯માં લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયાર છું. જો પાર્ટી ઈચ્છશે તો હું ચોક્કસ લડીશ, પણ માત્ર ઝાંસીથી જ.” તેમણે ઉમેર્યું કે તેમને અન્ય કોઈ પ્રકારના રાજકારણમાં રુચિ નથી.
તેમણે મુખ્યમંત્રી મોહન યાદવ દ્વારા ભગવાન કૃષ્ણને ‘ગોપાલ’ કહેવા સામે વાંધો ઉઠાવવા બદલ તેમને ‘ભોળા ભંડારી’ ગણાવ્યા હતા અને સલાહ આપી હતી કે નેતાઓએ ધર્મશાસ્ત્રના પ્રશ્નોથી દૂર રહેવું જોઈએ.
ગાય અને ગંગા અભિયાન:
ઉમા ભારતીએ જણાવ્યું કે તેમની રાજકારણમાં મુખ્ય રુચિ ગાય અને ગંગા સંબંધિત કાર્યોમાં છે. આ સંદર્ભમાં તેઓ ૨૯ ઓક્ટોબરે ગોપાષ્ટમીના અવસર પર ‘ગૌ-સંવર્ધન અભિયાન’ શરૂ કરશે. તેમણે મધ્યપ્રદેશ સરકારને ‘લાડલી બહના યોજના’ના લાભાર્થીઓને બે ગાય આપવાની પણ ભલામણ કરી, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે. આ ઉપરાંત, તેમણે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’નું સમર્થન કરતાં ૪૫ દિવસમાં તમામ ચૂંટણીઓ પૂરી કરવાની પણ માંગ કરી.











