1 સપ્ટેમ્બર, 2025થી રાજ્યમાં જન્મ-મરણની નોંધણી હવે કેન્દ્ર સરકારના CRS પોર્ટલ પર શરૂ થઈ ગઈ છે. ડિજિટલ સિગ્નેચરવાળા પ્રમાણપત્રો હવે તમામ સરકારી કચેરીઓમાં માન્ય ગણાશે. જાણો આ ફેરફારથી નાગરિકોને શું ફાયદો થશે અને કેવી રીતે સરળતાથી પ્રમાણપત્ર મેળવી શકાશે.

ગાંધીનગર, બુધવાર
ગુજરાત રાજ્યના નાગરિકો માટે જન્મ અને મરણના પ્રમાણપત્રો મેળવવાની પ્રક્રિયામાં એક મોટો અને મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. 1 સપ્ટેમ્બર, 2025થી જન્મ-મરણની નોંધણી હવે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત CRS પોર્ટલ પર શરૂ થઈ ગઈ છે.
આ પહેલા રાજ્યમાં આ નોંધણીનું કામ આરોગ્ય વિભાગની E-olakh Application દ્વારા કરવામાં આવતું હતું, પરંતુ હવે આ પ્રક્રિયા CRS પોર્ટલ પર ટ્રાન્સફર થવાથી સમગ્ર દેશમાં એકસૂત્રતા આવશે અને નાગરિકોને ઘણી સરળતા રહેશે.
ડિજિટલ સિગ્નેચરવાળા પ્રમાણપત્રો હવે સર્વત્ર માન્ય
આ ફેરફારની સૌથી મોટી અને રાહત આપનારી વાત એ છે કે હવે જે પણ જન્મ કે મરણના પ્રમાણપત્રો આપવામાં આવશે, તે ડિજિટલ સિગ્નેચર ધરાવતા હશે. આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગે એક યાદી જાહેર કરીને સ્પષ્ટ જણાવ્યું છે કે રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી તેમજ અન્ય કચેરીઓએ આ ડિજિટલ સિગ્નેચરવાળા પ્રમાણપત્રોને તમામ પ્રકારની કાર્યવાહી માટે ફરજિયાતપણે માન્ય પુરાવા તરીકે સ્વીકારવા પડશે. આ નિર્ણયથી કાગળ આધારિત પ્રમાણપત્રોની જરૂરિયાત ઘટશે અને વેરિફિકેશન ઝડપી બનશે.
પ્રમાણપત્ર મેળવવું થયું વધુ સરળ: મળશે ઇ-મેઇલ પર
નાગરિકોને તેમનું પ્રમાણપત્ર સરળતાથી મળી રહે તે માટે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નોંધણી કરાવ્યા બાદ, રજિસ્ટ્રાર કે સબરજિસ્ટ્રારની ડિજિટલ સિગ્નેચર સાથેનું પ્રમાણપત્ર નાગરિકોને સીધું તેમના ઇ-મેઇલ પર મોકલી આપવામાં આવશે. જો કોઈ નાગરિકને ઇ-મેઇલ સિવાય પ્રમાણપત્ર જોઈતું હોય, તો તે રજિસ્ટ્રાર અથવા સબરજિસ્ટ્રાર પાસેથી પણ આ પ્રમાણપત્ર મેળવી શકશે. આ નવી વ્યવસ્થા સમયની બચત કરશે, કામગીરીમાં પારદર્શિતા લાવશે અને પ્રમાણપત્રોની નકલ મેળવવાની પ્રક્રિયાને પણ એકદમ સરળ બનાવી દેશે. 1 સપ્ટેમ્બરથી થયેલો આ અમલ ડિજિટલ ગુજરાત તરફનું એક સકારાત્મક પગલું ગણી શકાય.











