ઓમકારેશ્વરથી ઇન્દોર થઈને ઉજ્જૈન જઈ રહેલી એક ખાનગી પેસેન્જર બસ બેકાબૂ બનીને લગભગ ૫૦ ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી. બસમાં આશરે 50 જેટલા મુસાફરો સવાર હતા

મધ્ય પ્રદેશના ઇન્દોરના સિમરોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભેરુ ઘાટ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઓમકારેશ્વરથી ઇન્દોર થઈને ઉજ્જૈન જઈ રહેલી એક ખાનગી પેસેન્જર બસ બેકાબૂ બનીને લગભગ ૫૦ ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી. બસમાં આશરે ૫૦ જેટલા મુસાફરો સવાર હતા, જેમાં દિલ્હી સહિત અન્ય શહેરોના યાત્રીઓ પણ સામેલ હતા જેઓ ઓમકારેશ્વરના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.
આ કરૂણ ઘટનામાં ત્રણ મહિલાઓના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે અન્ય ૩૮ મુસાફરોને ઈજા પહોંચી હતી. સિમરોલ પોલીસ અને સ્થાનિક ગ્રામજનોની મદદથી ઘાયલોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા ઇન્દોરની એમવાય હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પ્રત્યક્ષદર્શીઓ અને પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, બસ ચાલકે ભેરુ ઘાટના વળાંક પર અન્ય વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ સીધી ખાઈમાં જઈને પડી હતી. એક વાયરલ વિડિયોમાં એક વ્યક્તિએ બસ ડ્રાઇવરના નશામાં હોવાને કારણે અકસ્માત થયો હોવાનો દાવો પણ કર્યો છે. પોલીસ અધિક્ષક (ગ્રામીણ) યાંગચેન ડોલકર ભૂટિયાએ ઘટનાની પુષ્ટિ કરી છે અને સિમરોલ પોલીસે અકસ્માતના કારણની સઘન તપાસ શરૂ કરી છે. પોલીસ બસ માલિક અને ડ્રાઇવરની પૂછપરછ કરશે.











