સીનિયર એક્ટ્રેસ અને અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચને લગ્નની પરંપરાને ‘આઉટડેટેડ’ ગણાવી છે. તેમણે ખુલ્લેઆમ કહ્યું કે તેઓ નથી ઈચ્છતા કે તેમની 28 વર્ષની પૌત્રી નવ્યા નવેલી નંદા લગ્ન કરે. જાણો આ આધુનિક વિચારધારાવાળી એક્ટ્રેસે લગ્ન વગર બાળક પેદા કરવા અને સંબંધોના પ્રયોગો વિશે શું કહ્યું.

મુંબઈ, સોમવાર
બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની પત્ની અને પોતાના બેબાક વિચારો માટે જાણીતા સીનિયર એક્ટ્રેસ જયા બચ્ચને ફરી એકવાર મોટું અને સનસનાટીભર્યું નિવેદન આપ્યું છે. 77 વર્ષની વયે પણ પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા જયા બચ્ચને આજની તારીખમાં લગ્નના કોન્સેપ્ટને ‘આઉટડેટેડ’ગણાવ્યો છે. માત્ર એટલું જ નહીં, તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેઓ નથી ઈચ્છતા કે તેમની 28 વર્ષની થવા જઈ રહેલી પૌત્રી નવ્યા નવેલી નંદા લગ્ન કરે.
‘વી ધ વુમન’ સાથેની એક વાતચીત દરમિયાન જ્યારે જયા બચ્ચનને લગ્ન વિશે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે યુવા પેઢીને ફક્ત “જિંદગીને એન્જોય કરો”નો સંદેશ આપ્યો.
નવ્યાને લગ્ન ન કરવાની સલાહ પાછળનું કારણ
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું નવ્યાએ તેમના પગલે ચાલીને લગ્ન પછી કારકિર્દી છોડી દેવી જોઈએ? ત્યારે જયા બચ્ચને આ સવાલના જવાબમાં કહ્યું, “હું નથી ઈચ્છતી કે નવ્યા લગ્ન કરે.” લગ્નની પરંપરા વિશે વિસ્તૃતમાં સમજાવતા તેમણે સ્વીકાર્યું કે આજની પેઢીના બાળકો ખૂબ જ સ્માર્ટ છે અને તેઓ કોઈને પણ માત આપી શકે છે.
જયા બચ્ચનનું કહેવું છે કે નવા જન્મેલા બાળકોનો ઉછેર કેવી રીતે કરવો તે અંગે સલાહ આપવા માટે તેઓ હવે ખૂબ જ વૃદ્ધ થઈ ચૂક્યા છે, કારણ કે નવી પેઢીના વિચારો અને સમજણ તેમનાથી ઘણી આગળ છે.
લગ્ન વગર બાળક અને રિલેશનશિપમાં પ્રયોગો પર ખુલાસો
જયા બચ્ચન માત્ર લગ્નની પરંપરા પર જ નહીં, પરંતુ લગ્ન કર્યા વગર બાળક પેદા કરવા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર પણ ખુલ્લેઆમ બોલ્યા છે. તેમણે આ વાતને એક ઉદાહરણથી સમજાવતા કહ્યું કે, “તમે લડ્ડુ ખાશો તો પણ મુસીબતમાં પડશો અને જો નહીં ખાઓ તો પણ પસ્તાશો.”
તેમણે પોતાની પૌત્રીના પોડકાસ્ટ પર પણ ખુલાસો કર્યો હતો કે રિલેશનશિપમાં ભાવનાત્મક અને માનસિક તાલમેલની સાથે-સાથે શારીરિક આકર્ષણ પણ એટલું જ જરૂરી છે. તેમણે કહ્યું કે, “લોકોને કદાચ મારી આ વાત વાંધાજનક લાગશે, પરંતુ શારીરિક આકર્ષણ અને એકબીજા સાથે તાલમેલ બેસાડવો જરૂરી છે.”
જયા બચ્ચને વધુમાં કહ્યું કે “અમારા સમયમાં, અમે આ પ્રકારના પ્રયોગો નહોતા કરી શકતા, પરંતુ આજની પેઢી આ પ્રકારના પ્રયોગો કરે છે, અને શા માટે ન કરવા જોઈએ? કારણ કે કોઈપણ સંબંધને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે આ વસ્તુઓ પણ જરૂરી પરિબળો છે.” આ નિવેદન રિલેશનશિપમાં પ્રયોગો અને લિવ-ઇન રિલેશનશિપ તરફ સ્પષ્ટ ઇશારો કરે છે, જેને જયા બચ્ચને ખુલ્લો ટેકો આપ્યો છે.











