અમદાવાદમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 8 મેડિકલ સ્ટોર્સ પર દરોડા પાડ્યા. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપનું ગેરકાયદેસર વેચાણ કરતા સ્ટોર્સને નોટિસ ફટકારાઈ. જાણો કઈ ફાર્મસીઓ સામેલ છે અને હવે શું કાર્યવાહી થશે.

અમદાવાદ, ગુરૂવાર
ગુજરાતના નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (ફૂડ એન્ડ ડ્રગ વિભાગ) એક્શનમાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ગેરકાયદેસર રીતે કફ સિરપનું વેચાણ કરતા 8 જેટલા મેડિકલ સ્ટોર્સ પર દરોડા પાડીને તેમને નોટિસ ફટકારવામાં આવી છે, જેનાથી ફાર્મસી સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
શહેરના આ વિસ્તારોમાં થઈ કાર્યવાહી
ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં નીચેના 8 મેડિકલ સ્ટોર્સને નિયમભંગ કરતા પકડવામાં આવ્યા હતા:
* ઘાટલોડિયા: એપોલો ફાર્મસી અને ક્રિષ્ના મેડિકલ
* સેટેલાઇટ: સોલક્યોર ફાર્મસી, નમનીધી ફાર્મા, નમ: વેલનેસ અને નટરાજ મેડિકલ સ્ટોર્સ
* વેજલપુર: એપોલો ફાર્મસી
* પ્રહલાદનગર: એપોલો ફાર્મસી
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ સ્ટોર્સ કેન્દ્ર સરકારના નિયમોનું ઉલ્લંઘન કરીને પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપનું બેફામ વેચાણ કરી રહ્યા હતા.
તપાસમાં શું ચોંકાવનારી વિગતો બહાર આવી?
વિભાગની તપાસમાં કેટલીક ગંભીર ખામીઓ પણ સામે આવી હતી.
* 8 માંથી 5 મેડિકલ સ્ટોર્સ એવા હતા જ્યાં રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટ હાજર જ નહોતા અને તેમના વગર જ દવાઓનું વેચાણ થઈ રહ્યું હતું.
* 2 સ્ટોર્સ પર ફાર્માસિસ્ટ હાજર હતા, તેમ છતાં તેઓ ગેરકાયદેસર રીતે કફ સિરપ વેચી રહ્યા હતા.
* 1 મેડિકલ સ્ટોર તપાસ દરમિયાન બંધ હાલતમાં મળી આવ્યો હતો.
નોટિસ બાદ થશે કડક કાર્યવાહી
તમામ 8 મેડિકલ સ્ટોર્સને કારણદર્શક નોટિસ પાઠવીને વિભાગે તાત્કાલિક ખુલાસો માંગ્યો છે. સંચાલકો તરફથી જવાબ મળ્યા બાદ ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારા, 1940 હેઠળ કડકમાં કડક પગલાં લેવામાં આવશે.
શા માટે કફ સિરપના વેચાણ પર છે પ્રતિબંધ?
થોડા મહિના અગાઉ મધ્યપ્રદેશમાં કફ સિરપ પીવાના કારણે કેટલાક બાળકોના મૃત્યુ થયા હતા. આ દુર્ઘટના બાદ કેન્દ્ર સરકારે દેશભરમાં ડોક્ટરની ચિઠ્ઠી વગર કફ સિરપના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો હતો. આ નિયમનો મુખ્ય હેતુ લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાંને રોકવાનો અને દવાઓનો સુરક્ષિત ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે.











