AIIMS અને ICMRના નવા અભ્યાસમાં મોટો ખુલાસો! કોવિડ વેક્સિન યુવાનોના અચાનક મૃત્યુ માટે જવાબદાર નથી. જાણો હૃદય રોગ અને જીવનશૈલી કેવી રીતે બની રહ્યા છે જીવલેણ અને ઓચિંતા મોતના મુખ્ય લક્ષણો કયા છે.

નવી દિલ્હી, મંગળવાર
AIIMS-ICMR Study on Sudden Death: કોરોના મહામારી પછી, ખાસ કરીને યુવાનોમાં અચાનક મૃત્યુના બનાવો વધતા સમાજમાં એક ડરનો માહોલ ફેલાયો હતો. ઘણા લોકો આ માટે કોવિડ-19ની રસીને જવાબદાર માનતા હતા. પરંતુ હવે દેશની બે સૌથી પ્રતિષ્ઠિત સંસ્થાઓ AIIMS અને ICMRના એક વ્યાપક અભ્યાસમાં આ ભ્રમણા પરથી પડદો ઉઠી ગયો છે. આ રિપોર્ટ સ્પષ્ટપણે કહે છે કે યુવાનોના અચાનક મૃત્યુ અને કોવિડ વેક્સિન વચ્ચે કોઈ સંબંધ નથી.
વેક્સિન પર શંકા કરવી વ્યર્થ, સત્ય કંઈક બીજું છે
ઇન્ડિયન જર્નલ ઑફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે કોવિડ-19 રસીકરણ અને યુવાનોમાં અચાનક થતા મૃત્યુ વચ્ચે કોઈ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી. અભ્યાસના સહ-લેખક ડૉ. સુધીર આરવાના જણાવ્યા અનુસાર, લોકોએ ખોટી માહિતી પર ધ્યાન આપવાને બદલે વૈજ્ઞાનિક તથ્યો પર વિશ્વાસ કરવો જોઈએ. આ રિપોર્ટ કોવિડ રસીને સંપૂર્ણપણે સુરક્ષિત ગણાવે છે.
તો પછી અચાનક મૃત્યુનું અસલી કારણ શું છે?
સંશોધકોએ 18 થી 65 વર્ષની વયના લોકોના મૃત્યુ પર ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. જેમાં જાણવા મળ્યું કે અચાનક મૃત્યુ પાછળ વેક્સિન નહીં, પરંતુ નીચેના કારણો મુખ્યત્વે જવાબદાર છે:
હૃદય રોગ: યુવાનોમાં 18-45 વર્ષ) અચાનક મૃત્યુનું સૌથી મોટું અને મુખ્ય કારણ હૃદય સંબંધિત બીમારીઓ હોવાનું સામે આવ્યું છે.
ખરાબ જીવનશૈલી: અભ્યાસમાં મૃત્યુ પામેલા મોટાભાગના લોકોમાં ધૂમ્રપાન અને દારૂનું સેવન કરવાની આદત સામાન્ય હતી. આ બંને આદતો સીધી રીતે હૃદયને નબળું પાડે છે.
કોરોનરી આર્ટરી ડિસીઝ (CAD): વૃદ્ધોમાં (46-65 વર્ષ) લગભગ 72.1% કેસમાં મૃત્યુનું કારણ CAD હતું. આ બીમારીમાં હૃદયની નસો બ્લોક થઈ જાય છે, જેનાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.
અભ્યાસના ચોંકાવનારા આંકડા
અભ્યાસ કરાયેલા કુલ કેસમાંથી 57.2% મૃતકો યુવાન હતા, જેમની સરેરાશ ઉંમર માત્ર 33.6 વર્ષ હતી. કુલ અચાનક મૃત્યુના કેસમાંથી 71.6% કેસ દિલ્હી-NCR વિસ્તારના હતા. લગભગ 80.2% મૃતકો નિમ્ન અને મધ્યમ વર્ગના હતા, જે કદાચ આરોગ્ય પ્રત્યે ઓછી જાગૃતિ દર્શાવે છે. વૃદ્ધોમાં ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓનું પ્રમાણ યુવાનો કરતાં ઘણું વધારે હતું.
અચાનક મૃત્યુ પહેલાં શરીર આપે છે આ સંકેતો
જો કોઈ વ્યક્તિને નીચે મુજબના લક્ષણો દેખાય, તો તેને તાત્કાલિક તબીબી સારવારની જરૂર પડી શકે છે:
*અચાનક બેભાન થઈ જવું.
*છાતીમાં તીવ્ર દુખાવો થવો.
*શ્વાસ લેવામાં તકલીફ પડવી.
*ખૂબ જ ગભરામણ કે બેચેની થવી.
*પેટમાં દુખાવો અને ઊલટી થવી.
આ અભ્યાસ સ્પષ્ટ કરે છે કે યુવાનોના અચાનક મૃત્યુ માટે કોઈ રસી નહીં, પરંતુ આપણી બગડતી જતી જીવનશૈલી અને હૃદયના સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી જવાબદાર છે. તેથી, અફવાઓ પર ધ્યાન આપવાને બદલે સ્વસ્થ જીવનશૈલી અપનાવવી અને નિયમિત આરોગ્ય તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે.











