ગાંધીનગર: હવે ડમ્પિંગ યાર્ડ બનશે સુંદર લેક ફ્રન્ટ! અમિત શાહ સુધીની રજૂઆત બાદ 5 કરોડના ખર્ચે થશે કાયાપલટ

ગાંધીનગરના સેક્ટર-4માં વર્ષો જૂની ગંદકીની સમસ્યાનો અંત આવશે. 5 કરોડના ખર્ચે ડમ્પિંગ યાર્ડ જેવી જગ્યા પર નવું લેક ફ્રન્ટ અને પિકનિક સ્પોટ આકાર લેશે. જાણો પ્રોજેક્ટની ખાસિયતો.

ગાંધીનગર, શનિવાર
ગાંધીનગરના સેક્ટર-4ના સ્થાનિક રહીશો માટે એક મોટા ખુશખબર આવ્યા છે. છેલ્લા 10 વર્ષથી જે બિનવારસી જમીન ગંદકી અને મચ્છરોનું ઘર બની ગઈ હતી, ત્યાં હવે શહેરની શોભા વધારતું સુંદર લેક ફ્રન્ટ આકાર લેશે. સ્થાનિકોની લાંબી લડત અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુધી કરાયેલી રજૂઆત બાદ, ગાંધીનગર મહાનગરપાલિકાએ આ જગ્યાનું નસીબ બદલવાનો નિર્ણય લીધો છે.

કાટમાળ હટાવી ફરી તળાવ બનશે
આ સ્થળનો ઈતિહાસ થોડો રસપ્રદ છે. વર્ષો પહેલાં જ્યારે ગાંધીનગરનો વહીવટ પાટનગર યોજના વિભાગ પાસે હતો, ત્યારે અહીં તળાવ બનાવવા માટે મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. પરંતુ, તંત્રએ એવું તર્ક લગાવીને પ્રોજેક્ટ પડતો મૂક્યો હતો કે “સેક્ટર-1ના તળાવમાં પાણી ટકતું નથી, તો અહીં પણ નહીં ટકે.” ત્યારબાદ આ ખાડામાં કાટમાળ ભરી દેવાતા આ જગ્યા ડમ્પિંગ યાર્ડ જેવી બની ગઈ હતી. પરિણામે ચોમાસામાં અહીં પાણી ભરાતું અને ગંદકી તથા મચ્છરોનો ઉપદ્રવ વધતો હતો, જે સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન હતું. જોકે, હવે 5 કરોડના ખર્ચે અહીં તળાવનું નવીનીકરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

પ્રોજેક્ટની ખાસિયતો: 1000થી વધુ લોકોને થશે ફાયદો
આ નવો પ્રોજેક્ટ માત્ર તળાવ પૂરતો સીમિત નથી, પણ એક સંપૂર્ણ રિક્રિએશન ઝોન તરીકે વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટની મુખ્ય વિગતો નીચે મુજબ છે:
બજેટ: આશરે 5.015 કરોડ રૂપિયાના ખર્ચે આ લેક ફ્રન્ટ તૈયાર થશે.
વિસ્તાર: કુલ 7962.91 ચોરસ મીટરના વિશાળ પ્લોટમાં વિકાસ કરવામાં આવશે.
લેક એરિયા: 2341.15 ચોરસ મીટરમાં મુખ્ય તળાવ બનાવવામાં આવશે.
સુવિધાઓ: બાકીના 5621.76 ચોરસ મીટર વિસ્તારમાં લોકો માટે વિવિધ સુવિધાઓ ઉભી કરાશે.
સેક્ટર-4 અને તેની આસપાસના વિસ્તારના અંદાજે 1000થી વધુ નાગરિકોને આ નવા પ્રોજેક્ટનો સીધો લાભ મળશે.

પિકનિક સ્પોટ જેવી સુવિધાઓ મળશે
નવું લેક ફ્રન્ટ સ્થાનિકો માટે હરવા-ફરવાનું ઉત્તમ સ્થળ બની રહેશે. અહીં નીચે મુજબની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે:
વોકિંગ ટ્રેક: મોર્નિંગ અને ઈવનિંગ વોક માટે સહેલાણીઓ માટે ખાસ ટ્રેક.
પ્લે એરિયા: બાળકો રમી શકે તે માટે ખાસ વિભાગ.
સિનિયર સિટિઝન કોર્નર: વડીલો શાંતિથી બેસી શકે તેવી વ્યવસ્થા.
સૌંદર્યકરણ: ગ્રીન લોન, આકર્ષક સ્કલ્પચર અને હરિયાળી.
પ્રાથમિક સુવિધા: ટોઇલેટ બ્લોક જેવી પાયાની જરૂરિયાતો.
પર્યાવરણ માટે આશીર્વાદરૂપ: ભૂગર્ભ જળ રિચાર્જ થશે

આ પ્રોજેક્ટનો સૌથી મોટો ફાયદો પર્યાવરણને થશે. અત્યારે ગાંધીનગરમાં ભૂગર્ભ જળનું સ્તર નીચું જઈ રહ્યું છે ત્યારે આ તળાવ વોટર રિચાર્જનું કામ કરશે. વરસાદી પાણીનો અહીં સંગ્રહ થવાથી આસપાસના વિસ્તારના બોરવેલ અને જમીનના પાણીના સ્તરમાં સુધારો જોવા મળશે.

ક્યારે તૈયાર થશે?
તંત્ર દ્વારા આ કામગીરી પૂર્ણ કરવા માટે 11 મહિનાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં, પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આગામી 5 વર્ષ સુધી તેની સારસંભાળ અને જાળવણી કરવાની જવાબદારી પણ સંબંધિત કોન્ટ્રાક્ટરની રહેશે, જેથી તળાવની સુંદરતા જળવાઈ રહે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!