અમદાવાદી ભાઈઓએ ન્યૂઝીલેન્ડના વિઝાના નામે 70 લાખનું ફૂલેકું ફેરવ્યું, ફેક ટિકિટ મોકલી ગાંધીનગરના 4 મિત્રોને રમાડી ગયા

વિદેશ જવા ઈચ્છતા લોકો સાવધાન! ગાંધીનગરના 4 યુવાનોને ન્યૂઝીલેન્ડ મોકલવાના બહાને અમદાવાદી ભાઈઓએ 70 લાખનો ચૂનો ચોપડ્યો. વોટ્સએપ પર ફેક વિઝા અને ટિકિટો પધરાવી આરોપીઓ ફરાર. જાણો કઈ રીતે આચરાયું આ કૌભાંડ.

ગાંધીનગર, સોમવાર
ગુજરાતીઓમાં વિદેશ જવાનો ક્રેઝ કેટલો જબરદસ્ત છે તે કોઈનાથી છૂપું નથી, પરંતુ આજ ઘેલછાનો લાભ ઉઠાવીને ઠગબાજો હવે લાખો રૂપિયા ખંખેરી રહ્યા છે. વિદેશ જવા ઈચ્છતા યુવાનોને નિશાન બનાવી છેતરપિંડી કરતી ટોળકીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો ગાંધીનગરમાં સામે આવ્યો છે. જેમાં ન્યૂઝીલેન્ડના વર્ક વિઝા અપાવવાના બહાને અમદાવાદી બે ભાઈઓએ ગાંધીનગરના ચાર મિત્રો સાથે મળીને કુલ 70 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે.

સીએ મિત્ર મારફતે થઈ હતી આરોપી સાથે મુલાકાત
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ગાંધીનગરના કુડાસણ સ્થિત શિવાલય પરિસરમાં રહેતા અને રૂદ્ર એન્ટરપ્રાઇઝના નામે ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો વેપાર કરતા પ્રધ્યુમનસિંહ અશોકસિંહ વાઘેલાને તેમના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્ર અંકિત રાજગોરે ફેબ્રુઆરી-2025માં એક વ્યક્તિ સાથે મુલાકાત કરાવી હતી. આ વ્યક્તિનું નામ અવધ જીતેન્દ્રભાઈ રાજગોર હતું, જે અમદાવાદના મકરબા વિસ્તારમાં સિદ્ધિવિનાયક બિઝનેસ ટાવરમાં ઓફિસ ધરાવતો હતો.

મુલાકાત દરમિયાન અવધે જણાવ્યું હતું કે તે વિઝા કન્સલ્ટન્સીનું કામ કરે છે અને તેનો ભાઈ સિદ્ધાર્થ રાજગોર દુબઈમાં ‘વર્લ્ડ કનેક્ટ (FZC)’ નામની કંપની ચલાવે છે. આ વાતોમાં આવીને પ્રધ્યુમનસિંહે તેમના ચાર મિત્રો – શુભમ પટેલ, ચેતન પટેલ, રાજ પટેલ અને મિતેષ પટેલને ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાની વાત કરી હતી.

વ્યક્તિ દીઠ 20 લાખ નક્કી થયા અને પૈસાની ચૂકવણી શરૂ
આરોપીઓએ ન્યૂઝીલેન્ડના વિઝા માટે પ્રતિ વ્યક્તિ 20 લાખ રૂપિયાનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. વાત પાકી થતા પ્રધ્યુમનસિંહે વિશ્વાસ મૂકીને તારીખ 13 એપ્રિલ, 2025 થી 17 જાન્યુઆરી, 2026 દરમિયાન અલગ-અલગ તબક્કે બેંક ટ્રાન્સફર અને રોકડ મળીને કુલ 70 લાખ રૂપિયા બંને ભાઈઓને ચૂકવ્યા હતા.

વોટ્સએપ પર ફેક ટિકિટો મોકલી વિશ્વાસ જીત્યો
પૈસા મળી ગયા બાદ આ ઠગબાજ ભાઈઓએ પ્લાન મુજબ કામ શરૂ કર્યું. ફરિયાદી અને તેમના મિત્રોને વિશ્વાસ આવે તે માટે તેમણે વોટ્સએપ પર ન્યૂઝીલેન્ડના વર્ક વિઝાના લેટર મોકલી આપ્યા. એટલું જ નહીં, અમદાવાદથી કંબોડિયા અને કંબોડિયાથી ન્યૂઝીલેન્ડની ફ્લાઈટની ટિકિટો પણ વોટ્સએપ કરી દીધી. આ જોઈને યુવાનોને એમ કે તેમનું કામ થઈ ગયું છે.

અસલ ડોક્યુમેન્ટ માંગતા ભાંડો ફૂટ્યો
જ્યારે પ્રધ્યુમનસિંહે વિઝા અને ટિકિટના અસલ ડોક્યુમેન્ટ્સની માંગણી કરી ત્યારે આરોપી ભાઈઓ ગોળગોળ જવાબો આપીને ગલ્લાંતલ્લાં કરવા લાગ્યા હતા. શંકા જતા પ્રધ્યુમનસિંહે તપાસ કરાવી તો ચોંકાવનારી હકીકત સામે આવી. આરોપીઓએ મોકલેલા તમામ વિઝા લેટર્સ અને એર ટિકિટો તદ્દન બોગસ અને નકલી હતી.

પોલીસ ફરિયાદ દાખલ
છેતરપિંડીનો અહેસાસ થતા પ્રધ્યુમનસિંહે પોતાના 70 લાખ રૂપિયા પરત માંગ્યા હતા, પરંતુ આરોપીઓએ પૈસા પાછા આપ્યા ન હતા અને ફરાર થઈ ગયા હતા. અંતે, પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા તેમણે ગાંધીનગરના ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આ ભેજાબાજ ભાઈઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!