ડુંગળીના ભાવે ગૃહિણીઓને રડાવી! 1 કિલોનો ભાવ 50 ને પાર, હોટલના સ્વાદ અને ક્વોલિટી પર અસર?

અમદાવાદમાં ડુંગળીના ભાવમાં ભડકો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. છૂટક બજારમાં ભાવ 30 થી 50 સુધી પહોંચ્યા છે. ડુંગળી મોંઘી થતાં હોટલોમાં ક્વોલિટી સાથે બાંધછોડ થઈ રહી છે? જાણો ગ્રાઉન્ડ રિપોર્ટ.

અમદાવાદ, મંગળવાર
કહેવત છે કે ડુંગળી સુધારતી વખતે આંખમાં પાણી આવે, પરંતુ હાલમાં અમદાવાદની સ્થિતિ એવી છે કે ડુંગળી ખરીદતી વખતે જ ગૃહિણીઓની આંખમાં પાણી આવી રહ્યા છે. અમદાવાદીઓના રસોડા અને હોટલની ડિશનો મુખ્ય ભાગ ગણાતી ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. છેલ્લા થોડા દિવસોમાં અચાનક આવેલા ઉછાળાને કારણે સામાન્ય માણસના બજેટ પર મોટી અસર પડી છે.

હોલસેલથી લઈને રિટેલ સુધી ભાવવધારો
માર્કેટના આંકડા જોઈએ તો ભાવવધારો ચોંકાવનારો છે. જે ડુંગળી હોલસેલ માર્કેટમાં પહેલા માત્ર 8 થી 18 પ્રતિ કિલોના ભાવે મળતી હતી, તે હવે સીધી 18 થી 24 સુધી પહોંચી ગઈ છે. હોલસેલના ભાવ વધતા તેની સીધી અસર તમારા અને મારા જેવા સામાન્ય ગ્રાહકો પર પડી છે.

શહેરના અલગ-અલગ વિસ્તારોમાં છૂટક બજારમાં ડુંગળીનો ભાવ 30 થી લઈને 50 પ્રતિ કિલો સુધી બોલાઈ રહ્યો છે. હાલમાં અમદાવાદના માર્કેટ યાર્ડમાં મહારાષ્ટ્રના નાસિક તેમજ આપણા સૌરાષ્ટ્રના મહુવા, ભાવનગર અને રાજકોટ બાજુથી ડુંગળીની આવક ચાલુ છે. જોકે, વેપારીઓના માનવા મુજબ આગામી દિવસોમાં ડિમાન્ડ સામે સપ્લાયના સમીકરણો બદલાય તો ભાવ હજુ પણ વધી શકે છે.

શું હોટલોમાં ક્વોલિટી સાથે બાંધછોડ થઈ રહી છે?
ડુંગળી મોંઘી થતા હવે હોટલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીમાં પણ એક નવી ચર્ચા શરૂ થઈ છે. કાચો માલ મોંઘો થતા નફાનું ધોરણ જાળવી રાખવું સંચાલકો માટે મુશ્કેલ બન્યું છે, જેના કારણે બે અલગ-અલગ ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે:

નાની હોટલોની સ્થિતિ: નાની કે મધ્યમ હોટલોમાં ઘણીવાર કિચન ઓપન હોય છે અથવા શાકભાજીનો સ્ટોક ગ્રાહકોની નજર સામે હોય છે. આવી જગ્યાએ ગ્રાહકોનો ભરોસો ટકાવી રાખવા સંચાલકો થોડો નફો ઓછો કરીને પણ સારી ગુણવત્તાની ડુંગળી વાપરવાનો આગ્રહ રાખી રહ્યા છે.

મોટી હોટલોનું ગણિત: બીજી તરફ બજારના સૂત્રોમાં એવી ચર્ચા છે કે, જ્યાં મોટાપાયે રસોઈ બને છે અને ગ્રાહકોને રસોડામાં જવાની છૂટ નથી હોતી, તેવી અમુક જગ્યાએ ખર્ચ ઘટાડવા માટે સસ્તી અથવા મધ્યમ ક્વોલિટીની ડુંગળીનો ઉપયોગ થઈ રહ્યો છે. જોકે, આ નિર્ણય દરેક હોટલ માલિકની પોતાની પોલિસી પર આધારિત હોય છે.

અમદાવાદીઓનો ‘ચટપટો’ પ્રેમ અને આંકડાની માયા
અમદાવાદ એટલે ખાણીપીણીનું શહેર. અહીંના લોકોના ભોજનમાં ડુંગળી અને બટાકાનું સ્થાન ખુબ મોટું છે. એક અંદાજ મુજબ, અમદાવાદીઓ આખા વર્ષમાં લગભગ 23 કરોડ કિલો ડુંગળી અને 20 કરોડ કિલોથી પણ વધારે બટાકા આરોગી જાય છે.

જ્યારે પણ ડુંગળી કે બટાકા જેવી પાયાની વસ્તુઓના ભાવ વધે છે, ત્યારે આ વિશાળ વપરાશને કારણે સામાન્ય નાગરિકના ખિસ્સા પર મોટો બોજ પડે છે. હાલમાં તો ગૃહિણીઓ અને હોટલ સંચાલકો, બંને ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!