ગાંધીનગરમાં ટ્રાફિક પોલીસ એક્શનમાં: 30થી વધુ વાહનોને મેમો, કોમ્પ્લેક્સ બહાર પાર્ક કર્યું તો વાહન થશે ડિટેઈન

ગાંધીનગરના ભાઈજીપુરા અને PDPU રોડ પર આડેધડ પાર્કિંગ કરનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. 30થી વધુ વાહનોને સ્થળ પર મેમો ફટકારતા ફફડાટ વ્યાપી ગયો છે. જાણો પોલીસે કડક કાર્યવાહી વિશે શું કહ્યું.

ગાંધીનગર, બુધવાર
ગાંધીનગર શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા દિવસેને દિવસે જટિલ બની રહી છે. એક બાજુ તંત્ર પાર્કિંગ પોલિસીની મોટી-મોટી વાતો કરે છે, તો બીજી બાજુ જમીની હકીકત કંઈક અલગ જ છે. પાટનગરના મુખ્ય રસ્તાઓ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સની બહાર થતા આડેધડ પાર્કિંગે હવે માથાના દુખાવા સમાન સ્વરૂપ ધારણ કર્યું છે. આ પરિસ્થિતિને કાબુમાં લેવા આખરે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે.

કરોડોના ખર્ચે બનેલા આઈકોનિક રોડ પર લારીઓનું રાજ
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ઘ-0થી લઈને રિલાયન્સ સર્કલ અને રક્ષા શક્તિ સર્કલ સુધીના રોડને કરોડો રૂપિયાના ખર્ચે આઈકોનિક રોડ તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યો છે. જોકે, તંત્રના સંકલનના અભાવે આ રોડ હવે ગેરકાયદેસર લારી-ગલ્લાઓનું હબ બની ગયો છે. ભૂતકાળમાં એસ્ટેટ શાખાએ પોલીસને સાથે રાખીને અહીંથી દબાણો હટાવ્યા હતા, પરંતુ થોડા જ દિવસોમાં સ્થિતિ જૈસે થે થઈ ગઈ છે.

ખાસ કરીને રાતના સમયે રિલાયન્સ સર્કલથી રક્ષા શક્તિ રોડ પર ઈંડા અને નોનવેજની લારીઓ લાઈનસર ગોઠવાઈ જાય છે. ખાણીપીણીના શોખીનો પોતાની ગાડીઓ રસ્તા પર જ પાર્ક કરી દેતા હોવાથી ટ્રાફિક જામ થાય છે અને નાના-મોટા અકસ્માતનો ભય પણ સતત તોળાઈ રહ્યો છે.

બેઝમેન્ટ બંધ અને રોડ પર પાર્કિંગ: વેપારીઓ પણ જવાબદાર
શહેરના અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પાર્કિંગ માટેના બેઝમેન્ટ બંધ હાલતમાં છે અથવા અન્ય કામ માટે વપરાય છે. જેના કારણે ગ્રાહકો તો ઠીક, પણ દુકાનદારો પોતે પણ પોતાના વાહનો રોડ પર કે સર્વિસ રોડ પર પાર્ક કરી દે છે. ભાઈજીપુરાથી PDPU રોડ પર આવેલા કોમ્પ્લેક્સની બહાર આ સમસ્યાએ માઝા મૂકી છે. પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે પાર્કિંગના નિયમો તોડવામાં ગ્રાહકોની સાથે વેપારીઓ પણ એટલા જ જવાબદાર છે.

30થી વધુ વાહનોને સ્થળ પર જ મેમો, ફફડાટ વ્યાપ્યો
આડેધડ પાર્કિંગની બૂમો ઉઠતા આજે ટ્રાફિક પીઆઈ પરાગ ચૌહાણ અને તેમની ટીમે ભાઈજીપુરા, PDPU રોડ અને આસપાસના કોમર્શિયલ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસે રસ્તા પર અડચણરૂપ પાર્ક કરેલા 30થી વધુ વાહનોને સ્થળ પર જ નો-પાર્કિંગના મેમો પકડાવી દીધા હતા. પોલીસની અચાનક ત્રાટકેલી ટીમને જોઈને આડેધડ વાહન પાર્ક કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકો પોતાના વાહનો લઈને ભાગતા જોવા મળ્યા હતા. જાગૃત નાગરિકોએ પોલીસની આ કામગીરીને બિરદાવી છે અને તે સતત ચાલુ રહે તેવી માંગ કરી છે.

હવે વાહનો સીધા ડિટેઈન થશે: પોલીસની કડક ચેતવણી
આ કાર્યવાહી અંગે માહિતી આપતા ટ્રાફિક પીઆઈ પરાગ ચૌહાણે જણાવ્યું હતું કે, હાલમાં વાહનચાલકોને દંડ કરીને ચેતવણી આપવામાં આવી છે. તેમ છતાં જો લોકો નહીં સુધરે અને કોમર્શિયલ કોમ્પ્લેક્સની બહાર ટ્રાફિકને નડતરરૂપ વાહનો ખડકાયેલા જોવા મળશે, તો આગામી દિવસોમાં માત્ર દંડ નહીં પણ વાહનોને સીધા ડિટેઈન (જપ્ત) કરવા સુધીના કડક પગલાં લેવામાં આવશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!