દહેગામમાં ઓવરલોડ વાહનોને કારણે 3 દિવસમાં 2 અકસ્માત સર્જાતા લોકોમાં ભારે રોષ છે. મહિલાના મોત બાદ ભાજપ અગ્રણીઓએ CM ભૂપેન્દ્ર પટેલને મળી રિંગ રોડનું કામ પૂર્ણ કરવા કરી ઉગ્ર રજૂઆત. વાંચો વિગતવાર અહેવાલ.

દહેગામ, બુધવાર
દહેગામ શહેરમાં છેલ્લા થોડા સમયથી ઓવરલોડ વાહનોનો ત્રાસ અને તેના કારણે સર્જાતા અકસ્માતોએ માઝા મૂકી છે. શહેરના માર્ગો પર બેફામ દોડતા ભારે વાહનોને કારણે નિર્દોષ નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને દહેગામના સ્થાનિક ભાજપ અગ્રણીઓએ હવે સીધી મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
ત્રણ દિવસમાં બે અકસ્માત
એકનું મોત, એક અપંગ દહેગામમાં ટ્રાફિકની સમસ્યા હવે જીવલેણ બની ગઈ છે. છેલ્લા માત્ર ત્રણ જ દિવસમાં ટ્રક ચાલકોની બેદરકારીના કારણે બે ગંભીર અકસ્માતો સર્જાયા છે. જેમાં એક બનાવમાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે બીજા બનાવમાં એક બાઈક સવાર યુવકનો પગ ટ્રકના ટાયર નીચે આવી જતા કચડાઈ ગયો હતો. ઓવરલોડ ભરેલા વાહનો શહેરમાંથી પસાર થતા હોવાથી રાહદારીઓ અને નાના વાહનચાલકો સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
ભાજપના અગ્રણીઓએ ગાંધીનગરનું શરણું લીધું
સ્થાનિક કક્ષાએ અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યા વિકટ બનતા દહેગામ ભાજપના નેતાઓ એક્શનમાં આવ્યા છે. દહેગામ ફરતે બની રહેલા રિંગ રોડનું કામ સત્વરે પૂર્ણ થાય તે માટે એક પ્રતિનિધિમંડળે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રૂબરૂ મુલાકાત લીધી હતી.
આ રજૂઆતમાં જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ, દહેગામ તાલુકા પ્રમુખ કેતનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ, જિલ્લા ભાજપ મહામંત્રી કિરીટસિંહ બિહોલા અને શહેર ભાજપ પ્રમુખ ગોપાલભાઈ બારોટ જોડાયા હતા. તેમણે મુખ્યમંત્રીને ભારપૂર્વક રજૂઆત કરી હતી કે રિંગ રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તો જ ભારે વાહનો શહેરમાં પ્રવેશતા અટકશે.
રિંગ રોડ જ એકમાત્ર ઉપાય?
દહેગામમાં હાલ ટ્રાફિકનું ભારણ અસહ્ય બની ગયું છે. સાંકડા રસ્તાઓ અને તેના પર ઓવરલોડ વાહનોની અવરજવરને કારણે કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. વાહનચાલકો અને સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જો રિંગ રોડ શરૂ થઈ જાય તો ભારે વાહનો બાયપાસ થઈને નીકળી જાય અને શહેરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટી શકે.
જોકે, રજૂઆત બાદ હવે તંત્ર કેટલું જાગશે અને ગોકળગાયની ગતિએ ચાલતું રિંગ રોડનું કામ ક્યારે પૂર્ણ થશે, તે તો આવનારો સમય જ બતાવશે.











