78 વર્ષનો ઈતિહાસ બદલાયો: આજથી સેવા તીર્થ બનશે PM મોદીનું નવું સરનામું, એક જ કેમ્પસમાં ધમધમશે તમામ મંત્રાલયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી તેમના નવા કાર્યાલય સેવા તીર્થમાં શિફ્ટ થઈ રહ્યા છે. 78 વર્ષ બાદ નોર્થ અને સાઉથ બ્લોકનું કામકાજ બંધ થશે. જાણો 1189 કરોડના ખર્ચે બનેલા હાઈટેક PMO અને કર્તવ્ય ભવનની તમામ ખાસિયતો.

નવી દિલ્હી, શુક્રવાર
ભારતના ઈતિહાસમાં આજનો શુક્રવાર એક સુવર્ણ અક્ષરે લખાવા જઈ રહ્યો છે. છેલ્લા 78 વર્ષથી દિલ્હીમાં જે નોર્થ અને સાઉથ બ્લોક સત્તાનું કેન્દ્ર ગણાતા હતા, તે સરનામું હવે બદલાવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિધિવત રીતે તેમના નવા હાઈટેક કાર્યાલયમાં શિફ્ટ થવા જઈ રહ્યા છે, જેનું નામ સેવા તીર્થ રાખવામાં આવ્યું છે.

આજના દિવસનો કાર્યક્રમ અને છેલ્લી કેબિનેટ બેઠક
વડાપ્રધાન મોદી આજે નવા બિલ્ડિંગ કોમ્પ્લેક્સના નામનું અનાવરણ કરશે. ત્યારબાદ સાંજે 6:00 વાગ્યે તેઓ સેવા તીર્થ તેમજ કર્તવ્ય ભવન-1 અને 2નું ઉદ્ઘાટન કરીને દેશની જનતાને સંબોધિત કરશે. જોકે, નવા ઘરમાં પ્રવેશતા પહેલા એક ભાવુક અને ઐતિહાસિક ક્ષણ પણ જોવા મળશે. પીએમ મોદી આજે સાંજે 4:00 વાગ્યે જૂના સાઉથ બ્લોકમાં કેબિનેટની એક વિશેષ બેઠક બોલાવી છે. આ બેઠક એટલા માટે ખાસ છે કારણ કે આ ઐતિહાસિક ઈમારતમાં સરકારની આ છેલ્લી મીટિંગ હશે. આજથી જ પીએમઓ અને અન્ય મહત્ત્વના મંત્રાલયોનું કામકાજ હવે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કર્તવ્ય ભવન અને સેવા તીર્થમાંથી શરૂ થઈ જશે.

1189 કરોડના ખર્ચે તૈયાર થયું ભવ્ય સેવા તીર્થ

નવી દિલ્હીના દારા શિકોહ રોડ પર અંદાજે 5 એકર વિસ્તારમાં ફેલાયેલું આ નવું સંકુલ L&T કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ પાછળ કુલ 1189 કરોડનો ખર્ચ થયો છે.

નામનો અર્થ: આ સંકુલને પહેલા એક્ઝિક્યુટિવ એન્ક્લેવ કહેવાતું હતું, પરંતુ ડિસેમ્બર 2025માં તેનું નામ બદલીને સેવા તીર્થ કરવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે સેવા કરવાનું પવિત્ર સ્થાન.

ત્રણ મુખ્ય ઈમારતો: આ સંકુલમાં ત્રણ મુખ્ય બિલ્ડિંગ છે. સેવા તીર્થ-1માં વડાપ્રધાનનું કાર્યાલય (PMO) હશે. સેવા તીર્થ-2માં કેબિનેટ સચિવાલય કામ કરશે, જ્યારે સેવા તીર્થ-3માં નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ અને NSA અજીત ડોભાલની ઓફિસ હશે.

નવું નિવાસસ્થાન: પીએમઓના નવા બિલ્ડિંગની નજીક જ વડાપ્રધાનનું નવું ઘર પણ બની રહ્યું છે. એકવાર તેનું કામ પૂરું થાય એટલે પીએમ મોદી 7, લોક કલ્યાણ માર્ગ છોડીને અહીં રહેવા આવશે.
કર્તવ્ય ભવન: હવે અહીંથી ચાલશે દેશનો વહીવટ

ફક્ત પીએમઓ જ નહીં, પરંતુ દેશના અન્ય મહત્ત્વના મંત્રાલયો પણ હવે એક જ છત નીચે આવી ગયા છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભાગરૂપે બનેલા કર્તવ્ય ભવન-1 અને 2માં નાણાં, સંરક્ષણ, આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને કાયદા મંત્રાલય શિફ્ટ થઈ ગયા છે. ગૃહ મંત્રાલય પણ હવે નોર્થ બ્લોક છોડીને જનપથ પરની નવી બિલ્ડિંગમાં શિફ્ટ થઈ ગયું છે, જ્યાં તેમને 347 રૂમ ફાળવવામાં આવ્યા છે.

હાઈટેક સુવિધાઓ અને પર્યાવરણનું જતન

નવી ઓફિસો માત્ર દેખાવમાં જ નહીં પણ ટેકનોલોજીમાં પણ અવ્વલ છે:

ડિજિટલ અને સ્માર્ટ: કર્તવ્ય ભવન સંપૂર્ણપણે ડિજિટલ છે. અહીં સ્માર્ટ એક્સેસ કંટ્રોલ અને સેન્ટ્રલાઈઝ્ડ રિસેપ્શન જેવી સુવિધાઓ છે, જેથી કામકાજ ઝડપી બનશે.

ઈકો-ફ્રેન્ડલી: આ બિલ્ડિંગ્સને 4-સ્ટાર GRIHA રેટિંગ મળ્યું છે. અહીં સોલર એનર્જી અને પાણી બચાવવાની સિસ્ટમ છે, જે પર્યાવરણને નુકસાન થતું અટકાવશે.

સુરક્ષા: સુરક્ષાને ધ્યાનમાં રાખીને અહીં હાઈ-ટેક સીસીટીવી નેટવર્ક અને ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ ગોઠવવામાં આવી છે.

જૂના નોર્થ-સાઉથ બ્લોકનું શું થશે?

સૌના મનમાં સવાલ થતો હશે કે અંગ્રેજોના જમાનાની એ ઐતિહાસિક ઈમારતોનું શું થશે? તો સરકારની યોજના મુજબ, નોર્થ અને સાઉથ બ્લોકને યુગે-યુગેન ભારત નેશનલ મ્યુઝિયમમાં ફેરવવામાં આવશે. આ દુનિયાના સૌથી મોટા મ્યુઝિયમમાંનું એક હશે, જ્યાં ભારતની હજારો વર્ષ જૂની સંસ્કૃતિ દર્શાવતી 25થી 30 હજાર દુર્લભ કલાકૃતિઓ મૂકવામાં આવશે.

નવી ઓફિસની જરૂર કેમ પડી?

જૂની વ્યવસ્થામાં અલગ-અલગ મંત્રાલયો દૂર હોવાથી સંકલનમાં મુશ્કેલી પડતી હતી અને કામમાં વિલંબ થતો હતો. ઉપરાંત, જૂની ઈમારતોના મેન્ટેનન્સનો ખર્ચ પણ વધી રહ્યો હતો. હવે સેવા તીર્થ અને કર્તવ્ય ભવનના નિર્માણથી તમામ સરકારી કામકાજ એક જ જગ્યાએથી આધુનિક ઢબે થશે, જેનાથી સમય અને પૈસા બંનેની બચત થશે.

 

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!