ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કોંગ્રેસે કમર કસી છે. ભરતસિંહ, શક્તિસિંહ, ગેનીબેન અને જીગ્નેશ મેવાણી સહિતના દિગ્ગજોને નવી કમિટીઓમાં મહત્વની જવાબદારીઓ સોંપાઈ છે.

અમદાવાદ, શુક્રવાર
ગુજરાતમાં આગામી 2 થી 3 મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આ ચૂંટણીઓમાં પોતાનો દેખાવ સુધારવા માટે કોંગ્રેસ હવે સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. સંગઠનને પાયાથી મજબૂત કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષની મંજૂરી બાદ રાજ્ય કક્ષાની 7 અલગ-અલગ સમિતિઓની જાહેરાત કરવામાં આવી છે. આ સમિતિઓમાં પક્ષના વરિષ્ઠ અને લોકપ્રિય નેતાઓને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી છે.
કોને મળી કઈ જવાબદારી?
પક્ષના કાર્યક્રમો, પ્રચાર અને ચૂંટણી મેનેજમેન્ટને વધુ અસરકારક બનાવવા માટે નીચે મુજબની સમિતિઓ અને તેના હોદ્દેદારોની નિમણૂક તાત્કાલિક અસરથી કરવામાં આવી છે:
સ્ટ્રેટેજી કમિટી (વ્યૂહરચના સમિતિ): આ કમિટીના અધ્યક્ષ તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની નિમણૂક કરાઈ છે. તેમની સાથે લાલજી દેસાઈને ઉપાધ્યક્ષ અને હેમાંગ વસાવડાને કન્વીનર બનાવાયા છે.
કેમ્પેઈન કમિટી (પ્રચાર સમિતિ): પ્રચારની સંપૂર્ણ કમાન શક્તિસિંહ ગોહિલને સોંપાઈ છે. આ સમિતિમાં પરેશ ધાનાણી ઉપાધ્યક્ષ છે, જ્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને કન્વીનર બનાવવામાં આવ્યા છે. ગેનીબેનની નિમણૂક ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની પકડ મજબૂત કરવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ઈલેક્શન મેનેજમેન્ટ કમિટી: આ સમિતિના અધ્યક્ષ પદે સિદ્ધાર્થ પટેલ રહેશે. જ્યારે યુવા નેતા જીગ્નેશ મેવાણીને ઉપાધ્યક્ષ અને બિમલ શાહને કન્વીનરની જવાબદારી અપાઈ છે.
પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેશન કમિટી: પક્ષના કાર્યક્રમોને લોકો સુધી પહોંચાડવા માટે જગદીશ ઠાકોરને અધ્યક્ષ બનાવાયા છે. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ ઉપાધ્યક્ષ અને હિંમતસિંહ પટેલ કન્વીનર રહેશે.
મેનિફેસ્ટો કમિટી (ચૂંટણી ઢંઢેરા સમિતિ): લોકોના પ્રશ્નોને ઢંઢેરામાં વણી લેવા શૈલેષ પરમારને ચેરમેન પદ અપાયું છે. રુત્વિક મકવાણા ઉપાધ્યક્ષ અને ડો. મનીષ દોશી કન્વીનર તરીકે ફરજ બજાવશે.
આ ઉપરાંત મીડિયા અને પબ્લિસિટી માટે પણ અલગથી કમિટીઓ બનાવવામાં આવી છે.
રાજકોટમાં ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ
એક તરફ પ્રદેશ કક્ષાએ સમિતિઓ બની રહી છે, તો બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી પણ શરૂ કરી દીધી છે. રાજકોટમાં ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસ દ્વારા ‘સેન્સ’ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મર અને માનસિંહ ડોળિયાની હાજરીમાં આ પ્રક્રિયા હાથ ધરાઈ છે. પ્રથમ દિવસે કોંગ્રેસ કાર્યાલય ખાતે વોર્ડ નંબર 1 થી 9 ના દાવેદારોને સાંભળવામાં આવશે. ત્યારબાદ આવતીકાલે બીજા તબક્કામાં વોર્ડ નંબર 10થી 18ના ઉમેદવારોને સાંભળીને તેમની રજૂઆતો નોંધવામાં આવશે.
આ કામગીરી અંગે માહિતી આપતા કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મરે જણાવ્યું હતું કે, કોર્પોરેશનની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ભાજપના શાસનમાં રાજકોટની શું સ્થિતિ થઈ છે તે ત્યાંની જનતા સારી રીતે જાણે છે. ચૂંટણી લડવા માંગતા કોંગ્રેસના ઉમેદવારોમાં ભારે ઉત્સાહ છે અને આજે વોર્ડ વાઈઝ બેઠકો કરીને ચૂંટણી જીતવા માટેની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી રહી છે.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ કોંગ્રેસ દ્વારા રણનીતિથી લઈને પ્રચાર સુધીની સમિતિઓ બનાવી દેવી એ દર્શાવે છે કે આ વખતે પક્ષ કોઈ કસર છોડવા માંગતો નથી. દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારીને કોંગ્રેસ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પોતાનો જનાધાર પાછો મેળવવાનો પ્રયાસ કરી રહી છે.











