ગુજરાતની 6 મહાનગરપાલિકાઓની ટર્મ પૂર્ણ: હવે શરૂ થયું વહીવટદારોનું શાસન, જાણો કયા શહેરમાં કોની નિમણૂક થઈ?

ગુજરાતની 6 મહાનગરપાલિકાઓની 5 વર્ષની ટર્મ પૂર્ણ થતાં રાજ્ય સરકારે વહીવટદારોની નિમણૂક કરી છે. અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોના નવા વહીવટદારોનું લિસ્ટ જુઓ.

અમદાવાદ, રવિવાર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની 5 વર્ષની ટર્મ પૂરી થઈ ગઈ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે નવી અધિસૂચના બહાર પાડીને રાજ્યની 6 મોટી મહાનગરપાલિકાઓનો વહીવટ હવે સીધો ઉચ્ચ અધિકારીઓના હાથમાં સોંપી દીધો છે. જ્યાં સુધી નવી ચૂંટણીઓ ન યોજાય ત્યાં સુધી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં હવે વહીવટદારોનું શાસન ચાલશે.

સમયસર ચૂંટણી કેમ ન યોજાઈ?
લોકોના મનમાં સામાન્ય રીતે એ સવાલ થાય કે 5 વર્ષ પૂરા થવા છતાં ચૂંટણીઓ કેમ ન યોજાઈ? તો તેનું મુખ્ય કારણ છે રાજ્યમાં ચાલી રહેલી SIR ની કામગીરી. આ પ્રક્રિયા ચાલુ હોવાના કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ સમયસર યોજવી શક્ય નહોતી. આથી, શહેરોનો રોજેરોજનો વહીવટ અટકે નહીં અને વિકાસના કામો ચાલુ રહે તે માટે સરકારે તાત્કાલિક અસરથી આ નવી વહીવટી વ્યવસ્થા લાગુ કરી છે.

કઈ મહાનગરપાલિકામાં કયા અધિકારીને મળી જવાબદારી?
સરકારે વહીવટદારો તરીકે એવા અનુભવી અધિકારીઓની પસંદગી કરી છે, જેઓ મોટેભાગે જે-તે જિલ્લામાં અગાઉ પોતાની ફરજ બજાવી ચૂક્યા છે અને ત્યાંની વહીવટી સિસ્ટમથી સારી રીતે વાકેફ છે. જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા:

અમદાવાદ મહાનગરપાલિકા: મેગા સિટી અમદાવાદનો વહીવટ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારને સોંપવામાં આવ્યો છે.

વડોદરા મહાનગરપાલિકા: વડોદરામાં GUVNL ના મેનેજિંગ ડિરેક્ટર શાલિની અગ્રવાલને વહીવટદાર તરીકેની જવાબદારી અપાઈ છે.

સુરત મહાનગરપાલિકા: ડાયમંડ સિટી સુરતમાં શિક્ષણ સચિવ મિલિન્દ તોરવણે હવે વહીવટદાર તરીકે કામગીરી સંભાળશે.

રાજકોટ મહાનગરપાલિકા: સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં વહીવટદાર તરીકે રેમ્યા મોહનની નિયુક્તિ કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકા: જામનગર શહેરમાં વહીવટદાર તરીકે આરતી કંવરની નિમણૂક કરાઈ છે.

ભાવનગર મહાનગરપાલિકા: ભાવનગરમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સચિવ હર્ષદ પટેલને વહીવટદાર બનાવવામાં આવ્યા છે.

ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ
એક તરફ 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોએ પોતાનો ચાર્જ સંભાળવાની તૈયારી કરી લીધી છે, તો બીજી તરફ આગામી ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષો પણ એક્ટિવ થઈ ગયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતના પક્ષોમાં બેઠકોનો દોર અને રાજકીય ધમધમાટ તેજ બની ગયો છે. હવે જોવાનું એ રહેશે કે વહીવટી તંત્ર દ્વારા SIR ની કામગીરી ક્યારે પૂર્ણ થાય છે અને ચૂંટણી પંચ નવી તારીખોની જાહેરાત ક્યારે કરે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!