ગાંધીનગરના ઐતિહાસિક કોલવડા તળાવનું નવીનીકરણ પૂર્ણ. હવે તેમાં 30,000 ઘનમીટર વધુ પાણીનો સંગ્રહ થશે અને પક્ષીઓ માટે 3 ખાસ ટાપુઓ બનાવાયા. જાણો આ પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી.

ગાંધીનગર, શનિવાર
ગાંધીનગરવાસીઓ માટે પર્યાવરણ અને જળ સંચયને લઈને એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરના કોલવડા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક તળાવનો વૈજ્ઞાનિક ઢબે સંપૂર્ણ કાયાકલ્પ કરી દેવામાં આવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા અને એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત પ્રયાસોથી આ તળાવને નવું જીવન મળ્યું છે. 5.42 એકરમાં ફેલાયેલું આ તળાવ હવે આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તરને ઊંચા લાવવામાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવશે.
કચરાપેટીમાંથી બન્યું નયનરમ્ય તળાવ
એક સમય એવો હતો જ્યારે આ તળાવ જંગલી ઝાડીઓ અને કચરાને કારણે પોતાનું અસ્તિત્વ ગુમાવી રહ્યું હતું. પરંતુ નવીનીકરણના આ પ્રોજેક્ટ અંતર્ગત તળાવમાંથી 2 ટન જેટલો કચરો બહાર કાઢવામાં આવ્યો છે. આ ઉપરાંત, પર્યાવરણને નુકસાન કરતી નેલ્ટુમા જ્યુલીફ્લોરા જેવી જંગલી વનસ્પતિઓનો પણ સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો છે. વરસાદમાં માટીનું ધોવાણ ન થાય તે માટે તળાવના 580 મીટર લાંબા કાંઠાને ડબલ પાળા પદ્ધતિથી મજબૂત રીતે સુરક્ષિત કરવામાં આવ્યો છે.
સંગ્રહ ક્ષમતામાં થયો અધધ વધારો, જળસ્તર આવશે ઊંચા
આ પ્રોજેક્ટની સૌથી મોટી અને મહત્વની સિદ્ધિ એ છે કે હવે તળાવમાં પહેલા કરતા ઘણું વધુ પાણી ભરાઈ શકશે. તળાવમાંથી 29,000 ઘનમીટર જેટલો કાંપ બહાર કાઢવામાં આવ્યો છે. કાંપ નીકળતા તળાવની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા 39,000 ઘનમીટરથી વધીને સીધી 69,000 ઘનમીટર થઈ ગઈ છે. એટલે કે હવે તેમાં 30,000 ઘનમીટર જેટલું વધારાનું પાણી સચવાશે. આ વધારાના પાણીના સંગ્રહથી કોલવડા તેમજ આસપાસના ગ્રામ્ય અને રહેણાંક વિસ્તારોમાં જળ રિચાર્જિંગની પ્રક્રિયા ખૂબ જ ઝડપી બનશે.
પક્ષીઓ માટે બન્યા ખાસ 3 નેસ્ટીંગ આયલેન્ડ
અહીં માત્ર પાણી જ નહીં, પરંતુ પક્ષીઓ અને વન્યજીવોના સંતુલનનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તળાવની બરાબર વચ્ચે પક્ષીઓ માટે 3 નેસ્ટીંગ આયલેન્ડ (ખાસ ટાપુઓ) તૈયાર કરવામાં આવ્યા છે. આ ટાપુઓ પર સફેદ કાંકણસાર, લટોરો, નાની ડુબકી અને બગલા જેવા આપણા સ્થાનિક તેમજ વિદેશથી આવતા પક્ષીઓ સુરક્ષિત રીતે આશરો લઈ શકશે અને તેમના માટે આ એક ઉત્તમ પ્રજનન સ્થળ સાબિત થશે.
તળાવની સુંદરતા જળવાઈ રહે અને ભવિષ્યમાં લોકો દ્વારા કોઈ ગંદકી કે દબાણ ન થાય તે માટે તેની 300 મીટરની હદમાં મજબૂત ફેન્સિંગ પણ લગાવી દેવામાં આવી છે. આગામી ચોમાસામાં જ્યારે સારો વરસાદ પડશે અને આ તળાવ પોતાની પૂરી ક્ષમતા સાથે છલકાશે, ત્યારે તે કોલવડા અને ગાંધીનગર માટે કુદરતી સૌંદર્ય અને જળ સુરક્ષાનું મુખ્ય કેન્દ્ર બની જશે.











