મિડલ ઈસ્ટના યુદ્ધને લીધે સર્જાયેલી ગેસની અછત વચ્ચે ગુજરાતમાં શાળાઓનું મધ્યાહન ભોજન ન અટકે તે માટે સરકારે તમામ કલેક્ટરોને ગેસનો પૂરતો પુરવઠો આપવા આદેશ કર્યો છે.

ગાંધીનગર, રવિવાર
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ધીમે ધીમે વૈશ્વિક સ્તરે દેખાઈ રહી છે, જેના કારણે એલપીજી ગેસની અછત ઊભી થઈ છે. જોકે, આ વૈશ્વિક સમસ્યાની અસર ગુજરાતના શાળાના બાળકોના ભોજન પર ન પડે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે શાળાઓમાં ચાલતી ‘PM પોષણ યોજના’ (મધ્યાહન ભોજન) હેઠળ બાળકોને અપાતું જમવાનું કોઈ પણ સંજોગોમાં અટકવું ન જોઈએ. આ માટે ઉચ્ચ કક્ષાએથી તમામ જિલ્લાના અધિકારીઓને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.
કમિશનરનો કલેક્ટરોને તાકીદનો પત્ર
પીએમ પોષણ યોજનાના સંયુક્ત કમિશનર એન.એસ. ગુપ્તા દ્વારા 13 માર્ચ 2026 ના રોજ એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પત્ર તમામ જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોને મોકલીને સ્પષ્ટ આદેશ અપાયો છે કે, શાળાઓ અને સેન્ટ્રલાઈઝ્ડ કિચન માટે ગેસનો પુરવઠો પ્રાથમિકતાના ધોરણે પૂરો પાડવામાં આવે. તેમાં કોઈ પણ પ્રકારની અડચણ આવવી જોઈએ નહીં.
બાળકોને ભોજન આપવું એ સરકારની કાનૂની ફરજ
આ પરિપત્રમાં એ વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે, આ યોજના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) 2013 હેઠળ આવે છે. બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને નિયમિત પોષણક્ષમ ભોજન પૂરું પાડવું એ રાજ્ય સરકારની કાનૂની ફરજ છે. તેથી ગમે તેવી સ્થિતિમાં પણ શાળાના રસોડા બંધ રહેવા જોઈએ નહીં.
તંત્ર દ્વારા લેવાયેલા મહત્વના પગલાં:
ગેસ એજન્સીઓને આદેશ: ગેસ એજન્સીઓને સૂચના અપાઈ છે કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ PM પોષણ યોજનાના કેન્દ્રોને ગેસ આપવામાં પહેલી પ્રાથમિકતા આપવી.
અધિકારીઓને જવાબદારી: જિલ્લા પુરવઠા અધિકારીઓને ગેસનો યોગ્ય સપ્લાય જળવાઈ રહે તેની ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.
સ્થાનિક દેખરેખ: મહાનગરપાલિકાઓના નાયબ કલેક્ટરોને સ્થાનિક સ્તરે ગેસ સપ્લાયનું મોનિટરિંગ કરવા જણાવાયું છે.
ઉચ્ચ સ્તરે જાણ: આ ગંભીર બાબતની જાણ શિક્ષણ વિભાગ અને અન્ન તથા નાગરિક પુરવઠા વિભાગના નાયબ સચિવોને પણ કરી દેવામાં આવી છે. મોટાભાગની શાળાઓમાં ગેસ સિલિન્ડર પર રસોઈ બને છે, જ્યારે NGO સંચાલિત શાળાઓમાં સેન્ટ્રલાઈઝ્ડ કિચન દ્વારા ભોજન આવે છે. આ બંને જગ્યાએ ઇંધણ ન ખૂટે તેનું ધ્યાન રાખવા કડક સૂચના છે.
આણંદની શાળાની રજૂઆત બાદ સરકાર જાગી?
આ નિર્ણય પાછળ એક સ્થાનિક ઘટના પણ કારણભૂત હોઈ શકે છે. 11 માર્ચે આણંદ જિલ્લાની આસોદર પ્રાથમિક કન્યા શાળાના આચાર્યએ ભવિષ્યની મુશ્કેલી પારખીને તંત્રને રજૂઆત કરી હતી. તેમણે ગેસ એજન્સીને પત્ર લખીને માંગ કરી હતી કે માર્ચ 2026 થી મધ્યાહન ભોજન માટે 6 રાંધણગેસના સિલિન્ડર તાત્કાલિક ફાળવવામાં આવે, જેથી બાળકોનું જમવાનું બંધ ન થાય.
આવી જ સમસ્યા રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ઊભી થવાની શક્યતા જોતાં, રાજ્ય સરકારે આગોતરું આયોજન કરીને સમગ્ર રાજ્ય માટે આ મહત્વનો નિર્ણય લીધો છે. સરકારના આ પગલાંથી લાખો બાળકોના પોષણ પર તોળાતું સંકટ ટળી ગયું છે.











