ટાટા ગ્રુપની એર ઈન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સને અચાનક રાજીનામું આપ્યું છે. અમદાવાદ પ્લેન ક્રેશ, પાકિસ્તાન એરસ્પેસ વિવાદ અને રૂ. 20,000 કરોડના દેવા વચ્ચે આ મોટો નિર્ણય લેવાયો છે.

નવી દિલ્હી, બુધવાર
ટાટા ગ્રુપની માલિકીવાળી એરલાઇન એર ઈન્ડિયા (Air India) માં હાલ મોટી ઉથલપાથલ ચાલી રહી છે. એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને MD કેમ્પબેલ વિલ્સને અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમની નિમણૂક વર્ષ 2022 માં 5 વર્ષના કોન્ટ્રાક્ટ પર કરવામાં આવી હતી. તેમનો કાર્યકાળ જુલાઈ 2027 માં પૂરો થવાનો હતો, પરંતુ અધવચ્ચે જ તેમણે આ મોટો નિર્ણય લઈને એવિએશન ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચાવી દીધો છે.
રાજીનામા પાછળના મુખ્ય કારણો અને અમદાવાદ પ્લેન ક્રેશ
વિલ્સનના અચાનક રાજીનામા પાછળ સતત વધી રહેલી આર્થિક ખોટ અને સરકારી તપાસનું દબાણ મુખ્ય કારણ મનાય છે. ખાસ કરીને, ગયા વર્ષે અમદાવાદમાં થયેલા ગોઝારા બોઈંગ વિમાન અકસ્માત બાદ એરલાઈન પર સરકારની અને નિયામકોની કડક નજર હતી. આ ભયાનક દુર્ઘટનામાં 260 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારથી એર ઈન્ડિયાના મેનેજમેન્ટ પર સલામતી અને સુધારાને લઈને ભારે દબાણ જોવા મળી રહ્યું હતું.
એર ઈન્ડિયા પર તોળાઈ રહ્યું છે મોટું આર્થિક સંકટ
હાલમાં એર ઈન્ડિયાની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. નવા આર્થિક અંદાજો મુજબ, નાણાકીય વર્ષ 2026 સુધીમાં એર ઈન્ડિયાની ખોટ રૂ. 20,000 કરોડ સુધી પહોંચી શકે છે. અગાઉ આ નુકસાન માત્ર રૂ. 2,000 કરોડ રહેવાનો અંદાજ હતો, એટલે કે નુકસાન સીધું 10 ગણું વધી ગયું છે.
આટલી મોટી ખોટ પાછળ કેટલાક આંતરરાષ્ટ્રીય અને ભૌગોલિક-રાજકીય કારણો પણ જવાબદાર છે:
પાકિસ્તાન એરસ્પેસ વિવાદ: પાકિસ્તાને પોતાની એરસ્પેસ બંધ કરી દેતા એર ઈન્ડિયાના પશ્ચિમી દેશોના રૂટ પર ખૂબ જ માઠી અસર પડી છે, જેનાથી ફ્લાઈટનો સમય અને ખર્ચ બંને વધ્યા છે.
મોંઘું ઇંધણ: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 100 ડોલરને પાર કરી ગયા છે.
યુદ્ધની સ્થિતિ: અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ જેવા માહોલને કારણે એરલાઇન્સ માટે પરફેક્ટ સ્ટોર્મ (ચારે બાજુથી મુસીબત) જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તમને જણાવી દઈએ કે, ટાટા ગ્રુપની અન્ય નવી કંપનીઓની કુલ સંયુક્ત ખોટ પણ રૂ. 29,000 કરોડ થવાનો અંદાજ છે, જેમાં સૌથી મોટો હિસ્સો માત્ર એર ઈન્ડિયાનો છે.
નિષ્ણાતોનું શું કહેવું છે?
એવિએશન ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે આર્થિક નુકસાન માટે માત્ર મેનેજમેન્ટને જ જવાબદાર ઠેરવવું યોગ્ય નથી. વૈશ્વિક અને રાજકીય પરિસ્થિતિઓ પર કંપનીનો કોઈ કાબૂ હોતો નથી. પરંતુ, ખાનગીકરણના 4 વર્ષ વીતી જવા છતાં ગ્રાહકોની સેવામાં કે સુવિધાઓમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી, જે ટાટા ગ્રુપ માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે.
કેમ્પબેલ વિલ્સન કોઈ સામાન્ય અધિકારી ન હતા. તેઓ એવિએશન ઈન્ડસ્ટ્રીમાં 30 વર્ષનો લાંબો અને બહોળો અનુભવ ધરાવે છે. આ ઉપરાંત, તેઓ સિંગાપોર એરલાઈન્સની જાણીતી સબસિડીરી કંપની સ્કૂટના સ્થાપક CEO પણ રહી ચૂક્યા છે.
એક અનુભવી CEO ની અચાનક વિદાયથી એર ઈન્ડિયામાં નેતૃત્વનું મોટું સંકટ ઊભું થયું છે. હવે ટાટા ગ્રુપ અને એર ઈન્ડિયાના નવા મેનેજમેન્ટ સામે સૌથી મોટો પડકાર એ છે કે આ આર્થિક ખાડામાંથી કંપનીને કેવી રીતે બહાર કાઢવી અને ગ્રાહકોનો તૂટેલો વિશ્વાસ ફરીથી કેવી રીતે જીતવો. આગામી દિવસોમાં ટાટા ગ્રુપ શું પગલાં લે છે તે જોવું મહત્ત્વપૂર્ણ રહેશે.











