સુરતમાં ખાનગી જમીન પર ગેરકાયદે રસ્તા બનાવવા બદલ ગુજરાત હાઈકોર્ટે ગ્રામ પંચાયતોને આડે હાથ લીધી. જાણો શા માટે કોર્ટે 2013થી ભાડું ચૂકવવાનો આદેશ આપ્યો અને અધિકારીઓને નોકરી ગુમાવવાની ચેતવણી આપી.

ગાંધીનગર, સુરત
સુરત જિલ્લાની ગ્રામ પંચાયતોની કામગીરી સામે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે. ખાનગી માલિકીની જમીનો પર બળજબરીથી રસ્તાઓ બનાવી દેવાના ગંભીર મામલે કોર્ટે પંચાયતો અને જિલ્લા તંત્રનો રીતસરનો ઉધડો લીધો હતો. કોર્ટે તીખા શબ્દોમાં પૂછ્યું કે, ‘કોને પૂછીને તમે લોકોની ખાનગી જમીનો પર રસ્તા બનાવી દીધા?’ આ સાથે જ કોર્ટે અસરગ્રસ્ત જમીનમાલિકોને વર્ષ 2013થી ભાડું ચૂકવી આપવા માટે સ્પષ્ટ આદેશ કર્યો છે.
તમે કોઈની જમીન પર મફતમાં રસ્તો કઈ રીતે બનાવો?: હાઈકોર્ટ
સુરતના નાની નરોલી અને આસપાસના ગામોના લોકોએ હાઈકોર્ટમાં ઢગલાબંધ અરજીઓ દાખલ કરી હતી. આ અરજીઓ પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે તંત્રને અનેક સવાલો કર્યા:
ખાનગી માલિકની જમીન પર રસ્તો બનાવવા ગ્રામપંચાયતે પોતે જ ના પાડી હતી, છતાં કોના કહેવાથી ત્યાં રસ્તો બન્યો?
તમે કોના પ્લોટનું કેટલું ભાડું ચૂકવ્યું તેનો કોઈ હિસાબ કેમ નથી?
આ કેવી નીતિ છે કે તમે કોઈની જમીન પર ભાડું આપ્યા વગર રસ્તો બનાવો અને પછી એ જ માલિકને રસ્તાનો ઉપયોગ પણ કરવા ન દો?
આ બધા સવાલો પૂછીને કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ પ્રકારની મનમાની ચલાવી લેવામાં આવશે નહીં.
શું છે સમગ્ર વિવાદનું મૂળ?
આ સમગ્ર મામલો સુરત પાસે આવેલા નાની નરોલી અને તેની આજુબાજુના ગામડાઓનો છે. અહીં (GIPL) પાવર જનરેશન કંપનીના લિગ્નાઈટ માઈનિંગ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટના ટ્રાન્સપોર્ટેશન માટે ખાનગી જમીનો પરથી રસ્તો બનાવી દેવાયો. વિડંબણા એ છે કે જે લોકોની જમીન પર આ પાકો રસ્તો બન્યો, તેમને જ તેના પરથી અવરજવર કરવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. પોતાની જ જમીન વિકાસ માટે આપ્યા પછી પણ ગામલોકોને તૂટેલા-ફૂટેલા કાચા રસ્તાનો ઉપયોગ કરવા મજબૂર થવું પડે છે, જેના કારણે ખાસ કરીને ચોમાસામાં પારાવાર મુશ્કેલીઓ સર્જાય છે.
કોર્ટ કમિશનના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
આ કેસમાં નિમાયેલા કોર્ટ કમિશનના રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. રિપોર્ટ મુજબ, પાકા રસ્તાની આસપાસની જમીનો હડપીને તેના પર બળજબરીથી રસ્તો બનાવવામાં આવ્યો છે. સૌથી ગંભીર વાત એ છે કે સરકારી રેવન્યુ રેકોર્ડમાં આ રસ્તાની કોઈ નોંધ જ નથી, જે સાબિત કરે છે કે આ ખાનગી જમીન પર થયેલું દબાણ છે. ગ્રામપંચાયતની મનાઈ હોવા છતાં આ રસ્તો બન્યો, જે તંત્રની દાદાગીરી છતી કરે છે.
અધિકારીઓ સાવધાન! નોકરી પણ જઈ શકે છે: કોર્ટની ચેતવણી
કોર્ટ કમિશનના આદેશોનું પાલન ન કરવા બદલ જિલ્લા તંત્રના જવાબદાર અધિકારી સામે કોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ (કોર્ટના તિરસ્કાર)ની કાર્યવાહી કેમ ન કરવી તે અંગે શૉ કોઝ નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે, “જો તમે કોર્ટને હળવાશથી લેશો, તો આનાથી પણ વધારે આકરો દંડ અને નોકરી ગુમાવવાનો વારો પણ આવી શકે છે.”
આ કેસની વધુ સુનાવણી આગામી 29 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે, જેના પર સૌની નજર રહેશે.










