ઉત્તરમાં ફરવા જવાનો પ્લાન હોય તો થોભજો! હવામાન વિભાગે કરી કરા સાથે વરસાદની આગાહી, આ રાજ્યોમાં ‘રેડ એલર્ટ’

શું તમે ઉનાળાના વેકેશનમાં ઉત્તર ભારતના પહાડોમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો? તો આ સમાચાર તમારા માટે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પહાડી રાજ્યોમાં ભારે પવન અને કરા સાથે વરસાદની ચેતવણી આપી છે. જાણો વિગતવાર અહેવાલ.

અમદાવાદ, રવિવાર
દેશભરમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવે મેઘરાજાની એન્ટ્રી થવા જઈ રહી છે. જો કે, આ વરસાદ ગરમીથી રાહત આપવાની સાથે મુશ્કેલીઓ પણ લાવી શકે છે. હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજી આગાહી મુજબ, દેશના અનેક રાજ્યોમાં આગામી 7 દિવસ દરમિયાન તોફાની પવન અને વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ જામશે. ખાસ કરીને જે લોકો ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા છે, તેમણે સાવધ રહેવાની જરૂર છે.

પહાડી રાજ્યોમાં કરા પડવાની ચેતવણી
જો તમે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ કે ઉત્તરાખંડની મુલાકાત લેવાના હોવ તો તમારા પ્લાનમાં ફેરફાર કરવો પડી શકે છે. 3થી 6 મે દરમિયાન આ પહાડી વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે.

3 મે: જમ્મુ-કાશ્મીરમાં વરસાદની શરૂઆત થશે.
4 મે: હિમાચલ પ્રદેશમાં કરા પડી શકે છે.
4-5 મે: ઉત્તરાખંડમાં પણ કરા પડવાની શક્યતા છે. આ દરમિયાન પહાડી રસ્તાઓ પર મુસાફરી કરવી જોખમી સાબિત થઈ શકે છે.

મેદાની વિસ્તારોમાં ધૂળની ડમરીઓ અને વરસાદ
માત્ર પહાડો જ નહીં, પણ મેદાની રાજ્યોમાં પણ કુદરતનો મિજાજ બદલાશે.
પંજાબ અને હરિયાણા: 2થી 6 મે દરમિયાન અહીં હળવો વરસાદ રહેશે, પરંતુ 4 અને 5 મેના રોજ પવનની ગતિ 50-60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
રાજસ્થાન: 4 મેના રોજ રાજસ્થાનમાં ભયંકર ધૂળભરી આધી (Dust Storm) ચાલવાની ચેતવણી આપવામાં આવી છે.
ઉત્તર પ્રદેશ: પશ્ચિમ યુપીમાં 3થી 6 મે અને પૂર્વ યુપીમાં 4થી 7 મે દરમિયાન ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

પૂર્વોત્તર અને પૂર્વ ભારતમાં એલર્ટ
પૂર્વોત્તર ભારતમાં આગામી 5 દિવસ સુધી ‘કુદરતનો પ્રકોપ’ જોવા મળી શકે છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલૅન્ડ અને મણિપુરમાં 2થી 4 મે દરમિયાન અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને 2 મેના રોજ આસામ અને મેઘાલયમાં રેડ એલર્ટ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ સિવાય બિહાર, ઝારખંડ અને ઓડિશામાં પણ આગામી એક અઠવાડિયા સુધી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

દક્ષિણ ભારતમાં પણ મેઘમહેર
દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ગરમીથી આંશિક રાહત મળશે. તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 2થી 6 મે દરમિયાન છૂટોછવાયો વરસાદ અને ગાજવીજ સાથે પવન ફૂંકાશે. લક્ષદ્વીપ અને દરિયાકાંઠાના કર્ણાટકમાં 2 મેના રોજ વીજળી પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આ આગાહી જોતા સ્પષ્ટ જણાય છે કે આગામી થોડા દિવસો પ્રવાસ માટે અનુકૂળ નથી. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને કરા પડવાનું જોખમ વધી જાય છે. તેથી, જો તમે બહાર જવાનું વિચારી રહ્યા હોવ તો હવામાનની પળેપળની માહિતી મેળવીને જ આગળ વધવું હિતાવહ છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!