ક્રિકેટના મેદાન બાદ હવે હિટમેન રોહિત શર્મા ટીવી પર ધૂમ મચાવવા તૈયાર છે. રોહિત શર્માનો નવો રિયાલિટી શૉ આવી રહ્યો છે. જાણો આ નવા શૉ અને તેના મજેદાર ટીઝર વિશે બધુ જ.

મુંબઈ, શનિવાર
રોહિત શર્મા એટલે માત્ર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જ નહીં, પણ પોતાના મજેદાર અંદાજ માટે પણ તે ખૂબ જાણીતો છે. પછી તે મેદાન પરની તેની વિસ્ફોટક બેટિંગ હોય કે પછી પ્રેસ કોન્ફરન્સમાં તેના રમુજી જવાબો, ફેન્સ તેને હંમેશા પસંદ કરે છે. હવે આ જ હિટમેન ક્રિકેટની પીચ બાદ ટેલિવિઝનની દુનિયામાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. રોહિત શર્મા ટૂંક સમયમાં જ ટીવી પર પોતાનો એક નવો રિયાલિટી શૉ લઈને આવી રહ્યો છે.
તાજેતરમાં જ એક પ્રાઈવેટ ચેનલ દ્વારા આ શૉનો એક ખૂબ જ ફની ટીઝર વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. ચેનલે આ શૉને અત્યાર સુધીનો સૌથી મોટો એન્ટરટેઈનમેન્ટ ડેબ્યૂ ગણાવ્યો છે. જોકે, આ શૉ કયા વિષય પર આધારિત હશે તે હજુ સસ્પેન્સ રાખવામાં આવ્યું છે. પરંતુ રોહિત શર્માને હોસ્ટ તરીકે જોવા માટે તેના ચાહકો અત્યારથી જ ખૂબ ઉત્સાહિત છે.
પોતાના જ વાયરલ ડાયલોગથી રોહિત થયો પરેશાન!
આ શૉના ટીઝરમાં એક ખૂબ જ રમુજી કિસ્સો બતાવવામાં આવ્યો છે. રોહિત શર્મા જ્યાં પણ જાય છે, ત્યાં તેના ફેન્સ તેને ઘેરી લે છે અને તેનો પેલો પ્રખ્યાત ડાયલોગ કોઈ ગાર્ડનમાં નહીં ઘૂમેગા બોલવાની વારંવાર ડિમાન્ડ કરે છે. લોકોની આ એક જ વાત વારંવાર સાંભળીને રોહિત એટલો કંટાળી જાય છે કે તે પોતાના ઘરે ફોન કરે છે અને ઘરની છત પર બની રહેલા ગાર્ડનનું કામ પણ તાત્કાલિક અટકાવી દે છે!
અંતમાં રોહિત હસતા હસતા વિચારે છે કે, “જો મારી માત્ર એક લાઈન આટલી બધી વાયરલ થઈ શકે છે, તો વિચારો જ્યારે મારો આખો શૉ ટીવી પર આવશે ત્યારે શું થશે?”
ટીવી પર ક્રિકેટર્સનો દબદબો
એવું નથી કે રોહિત શર્મા પહેલો ક્રિકેટર છે જે ટીવી હોસ્ટ બની રહ્યો છે. આ પહેલા પણ ઘણા દિગ્ગજ ક્રિકેટરો ટીવીની દુનિયામાં સફળતા મેળવી ચૂક્યા છે. ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો બંગાળી ક્વિઝ શૉ દાદાગીરી અનલિમિટેડ ઘણો જ લોકપ્રિય છે. આ ઉપરાંત નવજોત સિંહ સિદ્ધુ, હરભજન સિંહ, વસીમ અકરમ અને શ્રીસંત જેવા સ્ટાર ખેલાડીઓએ પણ ટીવી શૉમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. હવે જોવાનું એ રહેશે કે ક્રિકેટના આ સુપરસ્ટાર રોહિત શર્માના નવા અવતારને જનતા કેટલો પ્રેમ આપે છે.
રોહિત શર્માનું હાલનું ક્રિકેટ કરિયર
તમને જણાવી દઈએ કે, રોહિત શર્માએ ટેસ્ટ અને T20 ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. હાલમાં તે માત્ર વનડે (ODI) ક્રિકેટમાં જ સક્રિય છે. આ ઉપરાંત, તે આઈપીએલ 2026 માં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે. આ સીઝનમાં પણ તેના બેટનો જાદુ અને દબદબો યથાવત જોવા મળી રહ્યો છે. ફેન્સ હવે તેને ક્રિકેટના મેદાનની સાથે સાથે ટીવીના પડદે પણ મનોરંજન પીરસતો જોશે.











