NCRB Report 2024: કૃષિપ્રધાન ભારતમાં દરરોજ 28 ખેડૂત-ખેતમજૂરોના આપઘાત, ગુજરાતના આંકડા પણ ચોંકાવનારા

NCRB 2024ના લેટેસ્ટ રિપોર્ટ મુજબ ભારતમાં રોજના 28 ખેડૂત અને ખેતમજૂરો આપઘાત કરે છે. દેવું અને પાક નુકસાનીથી ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર છે. વાંચો પૂરો રિપોર્ટ.

નવી દિલ્હી, શનિવાર
ભારતને દુનિયાભરમાં એક કૃષિપ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ, વાસ્તવિકતા એ છે કે જે ખેડૂત આખા દેશનું પેટ ભરે છે, તેની પોતાની સ્થિતિ આજે અત્યંત દયનીય બની ગઈ છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (NCRB) ના વર્ષ 2024 ના રિપોર્ટમાં એક એવો ધડાકો થયો છે, જે દેશની સિસ્ટમ સામે મોટા સવાલો ઊભા કરે છે. રિપોર્ટ મુજબ, આ કૃષિપ્રધાન દેશમાં દરરોજ સરેરાશ 28 ખેડૂતો અથવા ખેતમજૂરો દેવા અને મુશ્કેલીઓથી હારીને મોતની સોડ તાણી રહ્યા છે.

દેશમાં ખેડૂતોના આપઘાતના આંકડા (વર્ષ 2024)
NCRB ના આંકડા સ્પષ્ટ કરે છે કે કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો ભારે તણાવમાં છે. વર્ષ 2024 માં દેશભરમાં કુલ 10,546 લોકોએ (જેઓ ખેતી સાથે સંકળાયેલા છે) પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ચોંકાવનારા આંકડામાં 4,633 ખેડૂતો અને 5,913 ખેતમજૂરોનો સમાવેશ થાય છે. આ દર્શાવે છે કે ખેડૂતો કરતાં પણ ખેતમજૂરોની હાલત વધુ કફોડી છે.

છેલ્લા 5 વર્ષનો ચિતાર
જો આપણે છેલ્લા પાંચ વર્ષના આંકડા પર નજર કરીએ તો ખ્યાલ આવશે કે આ સમસ્યા કેટલી ગંભીર છે:

વર્ષ 2020: 5,579 ખેડૂત અને 5,098 ખેતમજૂર (કુલ: 10,677)
વર્ષ 2021: 5,318 ખેડૂત અને 5,563 ખેતમજૂર (કુલ: 10,881)
વર્ષ 2022: 5,207 ખેડૂત અને 6,083 ખેતમજૂર (કુલ: 11,290)
વર્ષ 2023: 4,990 ખેડૂત અને 6,096 ખેતમજૂર (કુલ: 11,086)
વર્ષ 2024: 4,633 ખેડૂત અને 5,913 ખેતમજૂર (કુલ: 10,546)

ગુજરાતની સ્થિતિ: ખેડૂતો ઘટ્યા, ખેતમજૂરો વધ્યા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા એક મોટો દાવો કરવામાં આવ્યો છે કે રાજ્યમાં જમીન ધરાવતા ખેડૂતોની સંખ્યા સતત ઘટી રહી છે, જ્યારે તેની સામે ખેતમજૂરોની સંખ્યામાં તોતિંગ વધારો થયો છે. વસ્તી ગણતરીના આંકડા મુજબ, વર્ષ 2001 માં ગુજરાતમાં 51.61 લાખ ખેતમજૂરો હતા. જે આંકડો વર્ષ 2011 ની ગણતરી સુધીમાં સીધો 68.39 લાખે પહોંચી ગયો હતો. ખેડૂતોનું ખેતમજૂરમાં પરિવર્તિત થવું એ ખેતીના ઘટતા વળતર તરફ ઈશારો કરે છે.

સૌરાષ્ટ્રમાં સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક
ગુજરાત માટે સૌથી મોટા ચિંતાના સમાચાર સૌરાષ્ટ્રમાંથી છે. રાજ્યમાં એક જ વર્ષની અંદર 381 ખેડૂતોએ આપઘાત કર્યો છે. કમનસીબી એ છે કે આ કુલ આપઘાતમાંથી અડધાથી વધુ કેસ માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના જ છે.

ખેડૂતો કેમ ભરી રહ્યા છે આ અંતિમ પગલું?
આપઘાત પાછળના મુખ્ય કારણો જોઈએ તો
બદલાતા વાતાવરણ અને કમોસમી વરસાદના કારણે પાકને થતું ભારે નુકસાન.
સરકાર તરફથી મળતી આર્થિક સહાયમાં થતો મોટો વિલંબ.
પાક નિષ્ફળ જવાના કારણે માથે ચડી જતો દેવાનો ડુંગર.

NCRBનો આ રિપોર્ટ માત્ર આંકડા નથી, પરંતુ ખેતી બચાવવા માટે વાગતી ખતરાની ઘંટી છે. ખેડૂતો દેવાના બોજ હેઠળ એટલા દબાઈ જાય છે કે તેમને આપઘાત સિવાય કોઈ રસ્તો દેખાતો નથી. સરકાર અને તંત્રએ આ આંકડાઓ પરથી બોધપાઠ લઈને ખેડૂતોને સમયસર સહાય અને યોગ્ય ટેકાના ભાવ મળે તેવી નક્કર વ્યવસ્થા કરવી પડશે, તો જ જય જવાન, જય કિસાન નો નારો ખરા અર્થમાં સાર્થક થશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!