અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી કરવી પાકિસ્તાનને મોંઘી પડી છે. નારાજ UAE એ હજારો શિયા પાકિસ્તાની કામદારોને કોઈ પણ નોટિસ વગર રાતોરાત દેશમાંથી હાંકી કાઢ્યા છે. જાણો શું છે સમગ્ર મામલો.

નવી દિલ્હી, રવિવાર
પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે યુનાઇટેડ આરબ અમીરાત (UAE) ગયેલા હજારો પાકિસ્તાની કામદારોને રાતોરાત દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, યુએઈએ આ કામદારોને કોઈ પણ કારણ જણાવ્યું નથી કે સામાન પેક કરવા માટે કોઈ મહોલત પણ આપી નથી.
શા માટે યુએઈ પાકિસ્તાન પર ગુસ્સે છે?
આ આખી ઘટના પાછળનું મુખ્ય કારણ પાકિસ્તાનની અમેરિકા અને ઈરાન વચ્ચેની મધ્યસ્થી છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષ દરમિયાન ઈરાને યુએઈ સહિત કેટલાક સુન્ની આરબ દેશો પર હુમલા કર્યા હતા. આ હુમલામાં યુએઈને ઘણું મોટું નુકસાન વેઠવું પડ્યું હતું.
પાકિસ્તાને અમેરિકા-ઈરાન વાટાઘાટોમાં તો મહત્વની ભૂમિકા ભજવી લીધી, પરંતુ બીજી તરફ જ્યારે ઈરાને યુએઈ પર મિસાઈલ હુમલા કર્યા ત્યારે પાકિસ્તાને તેની કડક શબ્દોમાં નિંદા કરી ન હતી. પાકિસ્તાનના આ ડબલ વલણથી યુએઈ સખત નારાજ થઈ ગયું છે અને હવે તેણે પાકિસ્તાની કામદારો પર આકરા પગલાં લેવાનું શરૂ કર્યું છે.
શિયાપંથી કામદારોને કેમ નિશાન બનાવાયા?
આ વિવાદમાં એક ધાર્મિક એંગલ પણ જોડાયેલો છે. ઈરાન શિયાપંથી દેશ છે, જ્યારે યુએઈ સહિતના મોટાભાગના આરબ દેશો સુન્ની પંથી છે. યુએઈનો ગુસ્સો એટલો બધો છે કે તેણે પાકિસ્તાનથી મજૂરી કરવા આવેલા હજારો શિયાપંથી કામદારોને સીધા નિશાન બનાવ્યા છે અને તેમને તાત્કાલિક દુબઈ અને યુએઈના અન્ય શહેરો છોડી દેવા ફરમાન કરી દીધું છે.
આ ઘટનાની મુખ્ય બાબતો
કારણ વગર અટકાયત: કામદારોને કોઈ નોટિસ આપ્યા વિના જ પહેલા અટકાયતમાં લેવાયા અને પછી સીધા કાઢી મુકાયા.
ન્યૂયોર્ક ટાઇમ્સનો ખુલાસો: જાણીતા અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સે પણ પાકિસ્તાની કામદારો અને તેમના નેતાઓ સાથે વાતચીત કરીને આ વાતની પુષ્ટિ કરી છે.
શિયા નેતાઓનો આરોપ: પાકિસ્તાનના શિયા નેતાઓનું સ્પષ્ટ કહેવું છે કે, ઈરાન શિયા દેશ હોવાથી યુએઈમાં શિયા પાકિસ્તાનીઓને જ ખાસ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
આ અચાનક લેવાયેલા નિર્ણયથી હજારો પાકિસ્તાની પરિવારોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. કોઈપણ જાતની નોટિસ વગર થયેલા આ નિર્વાસનથી પાકિસ્તાની મજૂરો અને તેમના પરિવારો ભારે આર્થિક અને માનસિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાકિસ્તાનની ખરાબ નીતિઓનો ભોગ સામાન્ય પાકિસ્તાની નાગરિકો બની રહ્યા છે.











