મિડલ ઈસ્ટના યુદ્ધને કારણે ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટી શકે છે. ADB એ ભારતના GDP ગ્રોથનો અંદાજ ઘટાડ્યો. જાણો ક્રૂડ ઓઈલ અને ખાદ્ય ચીજોના ભાવ પર શું અસર થશે.

નવી દિલ્હી, સોમવાર
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવની અસર હવે માત્ર ત્યાં જ નહીં, પરંતુ ભારતીય અર્થતંત્ર અને સામાન્ય માણસના ખિસ્સા પર પણ પડવા જઈ રહી છે. એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) તરફથી ભારત માટે કેટલાક ચિંતાજનક સમાચાર આવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષના કારણે ક્રૂડ ઓઈલના ભાવ વધી રહ્યા છે, જે ભારત માટે એક મોટો પડકાર બની ગયો છે.
જીડીપી ગ્રોથના અંદાજમાં મોટો ઘટાડો
ADB ના ચીફ ઈકોનોમિસ્ટ અલ્બર્ટ પાર્કે જણાવ્યું છે કે, મિડલ ઈસ્ટના સંકટના કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. આની સીધી અસર ભારતના વિકાસ દર પર પડશે. અગાઉ ભારતનો જીડીપી ગ્રોથ 6.9% રહેવાનો અંદાજ હતો, જે હવે ઘટીને 6.3% પર આવી શકે છે. આ ઉપરાંત, આગામી નાણાકીય વર્ષમાં જે ગ્રોથ 7.3% રહેવાની આશા હતી, તેમાં પણ 0.6% નો સીધો ઘટાડો જોવા મળી રહ્યો છે.
શું ખરેખર ફૂટશે મોંઘવારીનો બોમ્બ?
ક્રૂડ ઓઈલ એટલે કે કાચું તેલ મોંઘુ થવાથી માત્ર દેશનો વિકાસ દર જ નહીં ઘટે, પરંતુ સામાન્ય જનતાનું બજેટ પણ ખોરવાઈ જશે. રિપોર્ટ મુજબ, દેશમાં મોંઘવારી દર 4.5% રહેવાની ધારણા હતી, પરંતુ હવે તે ઉછળીને સીધો 6.9% સુધી પહોંચી શકે છે.
આનો અર્થ એ છે કે મોંઘવારીમાં 2.4% નો સીધો વધારો થઈ શકે છે. એટલું જ નહીં, વર્ષ 2026 માટે ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત 96 ડોલર પ્રતિ બેરલ રહેવાનો નવો અંદાજ મુકવામાં આવ્યો છે, જે અગાઉની ધારણા કરતા ઘણો વધારે છે.
ખેડૂતો અને રસોડાના બજેટ પર સીધી અસર ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું ગેસ અને તેલ વિદેશથી આયાત કરે છે. અલ્બર્ટ પાર્કે એક મોટી ચેતવણી આપતા સમજાવ્યું છે કે આખી સાયકલ કેવી રીતે કામ કરશે:
આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસ અને તેલ મોંઘા થવાથી ભારતમાં ફર્ટિલાઇઝર (ખાતર) ના ભાવમાં ભડકો થશે. ખાતર મોંઘુ થશે એટલે ખેડૂતો તેનો વપરાશ ઘટાડી દેશે, જેના કારણે પાકનું ઉત્પાદન ઘટશે. બજારમાં પાક ઓછો આવવાથી, વર્ષના અંત સુધીમાં શાકભાજી અને અનાજ જેવી ખાદ્ય ચીજવસ્તુઓ (Food Prices) ના ભાવ આસમાને પહોંચી જશે. સરળ શબ્દોમાં કહીએ તો, આંતરરાષ્ટ્રીય તણાવની સીધી અસર ગૃહિણીઓના રસોડાના બજેટ પર પડશે.
જોકે, આ નિરાશાજનક સમાચાર વચ્ચે એડીબીએ એક આશાનું કિરણ પણ બતાવ્યું છે. તેમનું માનવું છે કે, જેમ જેમ પશ્ચિમ એશિયામાં આ સંકટ હળવું થશે અને સ્થિતિ સામાન્ય બનશે, તેમ આગામી વર્ષે ભારતનો વિકાસ દર ફરીથી તેના જૂના પાટા પર દોડવા લાગશે. પરંતુ હાલ પૂરતું, ભારતીયોએ વધતી મોંઘવારીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.











